હવે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને ફોન પર પણ લખેલી આવશે આખરી તારીખ

સામાન્ય ખાણીપીણીની વસ્તુઓ તેની એક્સપાયરી ડેટ સાથે આવે છે. પરંતુ હવે જો તમે મોબાઈલ હેન્ડસેટ કે ફ્રિજ-ટીવીની વસ્તુ ખરીદો છો, તો તેના પર એક્સપાયરી ડેટ પણ લખવામાં આવશે. જી હાં, તમને જાણીને નવાઇ લાગશે પરંતુ સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, ઓટોમોબાઇલ કંપનીઓએ ટૂંક સમયમાં પ્રોડક્ટ પર પોતાની પ્રોડક્ટની એક્સપાયરી ડેટ લખવી પડશે. એટલે કે આ તારીખ સુધીમાં ગ્રાહકોને તે પ્રોડક્ટ સાથે જોડાયેલા સ્પેરપાર્ટ્સ મળી શકશે. ઘણી વખત તમે બજારમાંથી મોબાઇલ, કાર, ફ્રીજ ખરીદો છો, ત્યારબાદ 2થી 3 વર્ષ પછી જો તેને નુકસાન થાય છે અને તમે તેને સર્વિસ સેન્ટર પર લઇ જાવ છો.

પછી તમને ત્યાં જઇને જાણવા મળે છે કે પ્રોડક્ટને રીપેર કરી શકાતી નથી, કારણ કે કંપનીએ તે મોડેલ બનાવવાનું બંધ કરી દીધું છે. કંપની પાસે તે પ્રોડક્ટના સ્પેરપાર્ટ્સ ઉપલબ્ધ નથી અને તમારે નવી પ્રોડક્ટ ખરીદવી પડશે. ત્યારે ગ્રાહકને પણ માનસિક અને આર્થિક ઝટકો લાગે છે. તેથી સરકાર ઇચ્છે છે કે ગ્રાહકને એ ખબર પડે કે તે કેટલા સમય સુધીમાં તે પ્રોડક્ટના સ્પેરપાર્ટસ અને સર્વિસ મેળવી શકે છે. રાઇટ ટુ રિપેર હેઠળ સરકાર તેને ફરજિયાત બનાવી શકે છે.

તે મોબાઇલ હેન્ડસેટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટોમોબાઇલ કંપનીઓ અને કૃષિ ઉપકરણો પર પણ લાગુ પડશે. કંપનીઓએ જણાવવું પડશે કે ઉત્પાદનોના સ્પેરપાર્ટ્સ ક્યારે ઉપલબ્ધ થશે. કંપનીઓએ જણાવવું પડશે કે પ્રોડક્ટની સર્વિસ અને તેને લગતી એસેસરીઝ ક્યારે ઉપલબ્ધ થશે. વેબસાઇટ બેથી ત્રણ મહિનામાં શરૂ થઇ શકે છે. કંપનીઓએ જણાવવું પડશે કે, આ સેવા કેટલા સમય સુધી ઉપલબ્ધ રહેશે. કંપનીઓએ તેમના સર્વિસ સેન્ટર વિશે માહિતી આપવી પડશે. કંપનીઓએ સેલ્ફ રિપેર માટે મેન્યુઅલ આપવા પડશે. જો કોઇ પ્રોડક્ટ પર એક્સપાયરી ડેટ લખવામાં આવી છે, તો તે ડેટ નીકળી ગયા બાદ તે પ્રોડક્ટ વપરાશમાં લેવા લાયક રહેતી નથી. તેથી તમારે તે પ્રોડક્ટનો યૂઝ ન કરવો જોઇએ. ઘણી વખત પ્રોડક્ટ્સ પર યૂઝ બાય ડેટ્સ લખેલી હોય છે.

આ એવા ઉત્પાદનો પર હોય છે જે જલદી ખરાબ થઇ જાય છે. જેમ કે રેડી-ટુ-ઇટ સલાડ, દૂધ અથવા મીટની પ્રોડક્ટ્સ વગેરે. તેમના સ્ટોરેજ અંગે ખાસ ધ્યાન રાખવું પડે છે. દેશમાં બ્રેડ, દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનો પર યૂઝ બાય ડેટ છાપવામાં આવે છે. પેકેજ્ડ ફૂડ માટે ભારત એશિયાનું બીજું સૌથી મોટું બજાર છે.