મહાશિવરાત્રી પર સોમનાથ મહાદેવના દ્વાર 42 કલાક સુધી રહેશે ખુલ્લા, પાલખીયાત્રા સહિત વાંચો ભક્તિસભર કાર્યક્રમોની રૂપરેખા

અહી મહાશિવરાત્રિ નિમિતે સોમનાથ મહાદેવ મંદિરે તડામાર તૈયારીઓ થઈ રહી છે. જેમાં મહામૃત્યુંજય જાપયજ્ઞા, પાલખીયાત્રા, ચાર પ્રહરની આરતી, બિલ્વપૂજા, સોમનાથ ચોપાટી પાસે પાર્થીવેશ્વર પૂજા, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમોની શૃંખલા સતત ચાલતી રહેશે. આ ઉપરાંત યાત્રિકોને ફરાળ પ્રસાદી ભંડારા પણ રહેશે.તેમજ શિવાલય શણગારીને શિવજીની મહાપૂજા કરવામાં આવશે.આ ઉપરાંત દરિયાકિનારે રેતશિલ્પ મહોત્સવ આયોજિત કરાયો છે.જેમાં ભારતભરના કલાકારો કળાના કામણ પાથરશે. ભગવાન શિવની આરાધનનો પર્વ એટલે મહાશિવરાત્રી.

મહાશિવરાત્રીના દિવસે શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટતી હોય છે અને ‘હર હર ભોલે’ના નાદથી આખુ મંદિર ગૂંજી ઉઠતું હોય છે. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના કારણે દરેક તહેવારો અને ઉત્સવોની ઉજવણીની રીત બદલાઈ ગઈ છે. 11મી માર્ચે શિવરાત્રી છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરમાં કોરોનાની ગાઈડલાઈન સાથે મહાશિવરાત્રીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે વહેલી સવારે 4 કલાકે ખુલ્યા બાદ સળંગ 42 કલાક સુધી ખુલ્લા રહેશે.

આ દરમિયાન સોમનાથ મહાદેવને ધ્વજારોહણ, ચાર પ્રહરની મહા પૂજા-આરતી, પાલખીયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટના અધિકારી દિલીપસિંહ ચાવડાએ જણાવ્યું કે, મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિરમાં આવતા તમામ ભાવિકોએ માસ્ક ફરજિયાત પહેરવાની સાથે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. મંદિરમાં ભાવિકોના પ્રવેશથી લઈને બહાર નીકળવાના માર્ગે ભીડ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 11મી માર્ચે સવારે 4 વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે. ત્યારબાદ સળંગ 42 કલાક સુધી ખુલ્લા રહ્યા બાદ બીજા દિવસે એટલે કે શુક્રવારની રાતે 10 વાગ્યે બંધ થશે. સવારે 9 વાગ્યે પાલખીયાત્રા નિકળશે જે ફક્ત પરિસરમાં જ ફરશે.