સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા વેકરિયા જેવો જ કેસ, પૂર્વ પ્રેમીએ પ્રેમિકાનું કટરથી ચીરી નાખ્યું ગળું

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એક તરફી પ્રેમીના હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતની ગ્રીષ્મા હત્યા કેસ હજુ આંખ સામે છે ત્યારે વધુ એક આવો કેસ સામે આવ્યો છે. સુરત શહેરનાં સચિન વિસ્તારના પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળે જાહેરમાં કટર ફેરવી દીધું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રેમિકાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.

શહેરના છેવાડે સચીન વિસ્તારમાં એક ઝનૂની પ્રેમીએ પૂર્વપ્રેમિકાના ગળે જાહેરમાં ક્રૂરતાપૂર્વક કટર ફેરવી દેતા ચકચાર મચી ગઈ હતી. જેથી યુવતીનું ગળું ચીરાઈ ગયું છે. આ બાદ યુવતીને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બીજી તરફ પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.

અગાઉ યુવતી અને આ યુવક વચ્ચે પ્રેમ સંબંધ હતો. સુરતનાં એપ્રિલ પાર્કના એક કારખાનામાં યુવતી સિલાઈ મશીનનું કામ કરતી હતી. તાપી જિલ્લાના નિઝર ખાતે બોરડા ગામમાં આવેલા નિશાળ ફળિયામાં રહેતા રામસિંગ ગુલાબસિંગ પાડવી વચ્ચે બ્રેકઅપ થઈ ચૂક્યું હતું અને ત્યારબાદ રામસિંગ ગુલાબસિંગ પાડવી દ્વારા પૂર્વ પ્રેમિકા પર જીવલેણ હુમલો કર્યો હતો.

બંને વર્ષ 2019માં સાથે કામ કરતા હતા. પ્રેમ સંબંધ દરમિયાન રામસિંગ નાની નાની વાતે યુવતી સાથે કચકચ કરતો હતો. બંને વચ્ચે શાબ્દિક તડાફડી થતી હોય જેથી યુવતીએ રામસિંગ સાથેનો સંબંધ તોડી નાંખ્યો હતો. પ્રેમમાં નિષ્ફળ ગયેલા રામસિંગ યેનકેન પ્રકારે યુવતી સાથે પ્રેમસંબંધ ચાલુ રાખવા તેણી ઉપર દબાણ કરવાનું યથાવત રાખ્યું હતું. જો.કે ત્યાર બાદ ગત સપ્તાહે પણ રામસિંગે યુવતીને સચીન વિસ્તારમાં આંતરી હતી.

પ્રેમી રામસિંગ ગુલાબસિંગ પાડવી કિશોરીને વાત કરવા માટે અને પ્રેમ સંબંધ બાંધવા માટે સતત દબાણ કરતો હતો. પ્રેમિકા પોતાના પ્રેમી આ યુવતી યુવકના તાબે ન થતા યુવાને તેને મારવા માટે હથિયાર સાથે પહોંચ્યો હતો. યુવકે યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે સગીરા ફરી જતા તેના ગળાને બદલે તેના ગાલ પર ઘા પડ્યો હતો. જેનાથી તેના ગાલ પર 17 જેટલા ટાંકા આવ્યા હતા. જાહેરમાં લોકો ભેગા થઈ જતાં તે નાસી છૂટ્યો હતો. પરંતુ આ દરમિયાન બુધવારે સવારે પોતાના નિત્યક્રમ મુજબ યુવતી તેની બહેનપણી સાથે નોકરી કરવા જઈ રહી હતી.

તે દરમિયાન રામસિંગે યુવતીને એપેરેલ પાર્ક ખાતે અટકાવી પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું. યુવતીએ ધરાર ઈન્કાર કરતા રામસિંગે પિત્તો ગુમાવ્યો હતો. આ સાથે જ પોતાની પાસે રહેલી કટર ક્રૂરતાપૂર્વક યુવતીના ગળા ઉપર ફેરવી દીધી હતી. જાહેરમાં પ્રેમિકાનું ગળુ ચીરી તેની હત્યાની કોશિશ કરનારો રામસિંગ ફરાર થઈ ગયો હતો. લોહીથી લથપથ યુવતીને તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સમગ્ર ઘટનામાં પોલીસને જાણ થતાની સાથે જ મધરાતે પોલીસે રામસિંગની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.