PM મોદીના માતા હીરાબાની તબિયત બગડતા, અમદાવાદની યુએન હોસ્પિટલમાં કરાયા દાખલ

પીએમ મોદીના માતાની તબિયતને લઈને યુ.એન. મેહતા હોસ્પિટલે હેલ્થ બુલેટિન બહાર પાડ્યું છે. બુલેટિન અનુસાર પીએમ મોદીના માતાની તબિયત નાદુરસ્ત હોય ચેકઅપ માટે લવાયા છે અને હાલમાં હીરાબાની તબિયત સુધારા પર હોવાનું યુ.એન. મેહતાના મેડિકલ બુલેટિનમાં જણાવાવમાં આવ્યું છે. હોસ્પિટલ તરફથી પણ બુલેટિન બહાર પડાશે. સવારે સામાન્ય બલ્ડપ્રેશરની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને પણ અકસ્માત નડ્યો હતો.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હીરાબાને મંગળવારે રાતે યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 18 જૂને હીરાબાનો 100મો જન્મદિવસ હતો. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવ્યા હતા અને ગાંધીનગરમાં હીરાબાને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. હવે ધીમેધીમે ભાજપના નેતાઓ અને અધિકારીઓ યુએન મહેતા હોસ્પિટલમાં પહોંચી રહ્યાં છે. કે કૈલાસનાથન બાદ દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન હોસ્પિટલમાં પહોંચ્યા છે. એવી પણ ચર્ચા છેકે બપોરે પીએમ મોદી અમદાવાદ આવી શકે છે.

આ ઉંમરે પણ હીરાબા રોજબરોજની પ્રવૃત્તિમાં સક્રિય રહે છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે મતદાન પણ કરીને પોતાની ફરજ બજાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત ગુજરાત આવે ત્યારે હીરાબાને મળવાનો સમય પણ કાઢતા હોય છે. તેમણે માતા સાથે બેસીને ખીચડી અને બીજું સાદું ભોજન કર્યું હોય તેવી તસવીરો નિયમિત આવતી રહે છે. કર્ણાટકમાં મંગળવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો હતો.

કારમાં પ્રહલાદ મોદી સહિત તેમના પુત્ર મેહુલ મોદી, પુત્રવધૂ જીનલ મોદી અને પૌત્ર મહાર્થ મોદી સહિત 5 લોકો સવાર હતા. દરેક વ્યક્તિ ઘાયલ થયા છે. અકસ્માતમાં કારની ડ્રાઇવર સાઇડ મોટું નુકસાન થયું છે. તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઈની હાલત ગંભીર નથી. માર્ચ 2022માં નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે 11 માર્ચે તેઓ માતાને મળ્યા હતા અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. હીરાબાની તબિયત અને બીજી તકલીફો વિશે હોસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી કે બુલેટિન બહાર પાડવામાં આવ્યું નથી. સૂત્રોએ જણાવ્યું કે હીરાબાને બ્લડપ્રેશરની સામાન્ય તકલીફ હોવાના કારણે દાખલ કરવામાં આવ્યા છે.