પઠાન ફિલ્મના વિરોધને લઈને સુરતમાં સિનેમાઘરમાં તોડફોડ, પોસ્ટરો અને બેનરો ફાડી કર્યો વિરોધ

25 તારીખે શાહરુખ ખાનની ફિલ્મ પઠાન રિલીઝ થવા જઈ રહી છે જેને લઈને તેમના ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ફિલ્મના કેટલાક સિન કટ કર્યા બાદ પણ ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. સુરતમાં પઠાણ ફિલ્મનો વિરોધ કરનાર સામે રાયોટિંગની ફરિયાદ નોંધાઈ છે. ગત સાંજે રાંદેર રોડ પરની રૂપાલી ટોકીઝમાં 8 શખ્સોએ આવીને તોડફોડ કરી હતી, પઠાણ ફિલ્મની સ્ટેન્ડી, નાના-મોટા પોસ્ટર ફાડી નાખ્યા હતા અને શખ્સોએ ટોકીઝના કર્મીને ધમકાવ્યા હતા.

જે બાદ રાંદેર પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. CCTVના આધારે પોલીસો 8 આરોપી સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. રાંદેરના રૂપાલી સિનેમામાં ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. ફિલ્મના પોસ્ટર ફાડી વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત તોડફોડ પણ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. રૂપાલી ટોકીઝના કર્મીઓને ધમકાવામાં પણ આવ્યા હતા.

આ તરફ ગુજરાતમાં વિરોધ વચ્ચે પઠાણ ફિલ્મના એડવાન્સ બુકિંગની શરૂઆત થઈ ગઈ છે. સરકારે સુરક્ષાની ખાતરી આપતા થિયેટરોમાં ઓનલાઇન-ઓફલાઇન બુકિંગની શરૂઆત થઇ ગઇ છે. પઠાણ ફિલ્મના રિલીઝ સમયે થિયેટરમાં સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે. PSI,પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિતનો સ્ટાફ સુરક્ષામાં તૈનાત રહેશે. મહત્વપૂર્ણ છે કે 25 જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રિલીઝ થવાની છે, ત્યારે ફિલ્મના કેટલાક દ્રશ્યોને લઈને કેટલાક સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે. આ ઘટના જાણ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી હતી 5 ઈસમોની ધરપકડ કરી હતી. પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. ગત સાંજે બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે. હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તોડફોડ કરનાર લોકો સામે રાંદેર પોલીસે રાયોટિંગની FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.