ગૃહમંત્રી અમિત શાહે સરકારની દરેક પહેલનો વિરોધ કરવા બદલ રાહુલ ગાંધીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, સતત આમ કરવાથી કોંગ્રેસના પૂર્વ સાંસદમાં વિરોધ કરવાની આદત પડી ગઈ છે. અમિત શાહે કહ્યું કે, તેઓ (રાહુલ ગાંધી) દરેક બાબતનો વિરોધ કરે છે પછી તે કલમ 370 હોય, રામ મંદિર હોય કે ટ્રિપલ તલાક હોય. આમ કરવાથી, તેઓએ પોતાની અંદર કોઈપણ વસ્તુનો અને દરેક વસ્તુનો વિરોધ કરવાની આદત વિકસાવી છે.
બિહારના પટનામાં તાજેતરમાં થયેલી વિપક્ષની બેઠકને માત્ર “ફોટો સેશન” તરીકે ગણાવી કટાક્ષ મારતા અમિત શાહે જણાવ્યું હતું કે, તેમના તમામ પ્રયત્નો છતાં, 300થી વધુ બેઠકો સાથે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ પૂર્વનિર્ધારિત છે.
જમ્મુમાં યોજાયેલી એક રેલીમાં અમિત શાહે વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે, આજે, પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે. વિરોધ પક્ષોના નેતાઓ ભેગા થયા છે. તેઓ સંદેશ આપવા માગે છે કે તેઓ ભાજપ, એનડીએ અને મોદીજીને પડકાર આપશે. તેમના પ્રયત્નો છતાં તેમની વચ્ચે એકતા શક્ય નથી અને જો તેઓ એકતા બનાવે અને જનતામાં જાય, તો પણ મોદીજી 300થી વધુ બેઠકો સાથે ફરીથી વડાપ્રધાન બનશે એવો મને વિશ્વાસ છે.
ભાજપના દિગ્ગજ નેતાએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, વિરોધ પક્ષોની એસેમ્બલી એ જાહેરમાં ઘોષણા કરી છે કે 2024ની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા માટે કોંગ્રેસની ક્ષમતાઓ અપૂરતી છે. આ સાથે શાહે ત્રણ પરિવાર- ગાંધી, અબ્દુલ્લા અને મુફ્તીઓ પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ ત્રણેય પટના બેઠકમાં હાજર હતા અને તેમના પર 1947 અને 2014 વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં 42 હજાર લોકોની હત્યા માટે જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો હતો.
અમિત શાહે કહ્યું કે, મેડમ મુફ્તી અને અબ્દુલ્લા સાહેબ, હું તમને યાદ અપાવવા માંગુ છું કે યુપીએ સરકારના 10 વર્ષના શાસન દરમિયાન, આતંકવાદની 7,327 ઘટનાઓ બની હતી. જ્યારે અમારા નવ વર્ષના સમયગાળામાં આ સંખ્યા ઘટીને માત્ર 2,350 રહી છે. આનો અર્થ આંતકવાદમાં 70% સુધીનો ઘટાડો થયો છે. કેન્દ્રમાં મોદી સરકારના નવ વર્ષના શાસનની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શાહે કહ્યું કે, “મોદીજીનું શાસન ખુલ્લી પુસ્તક જેવું છે. યુપીએના રૂ. 12 લાખ કરોડના કૌભાંડ જેવું નથી. મોદીજી પર તેમના નવ વર્ષના શાસન દરમિયાન ભ્રષ્ટાચારનો એક પણ આરોપ લાગ્યો નથી. તેમણે આગળ કહ્યું કે, ભાજપે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને ઘેરી લીધો છે અને આજે “આતંક મરણ પથારી પર છે.”
શાહે જણાવ્યું કે, યુપીએના દસ વર્ષના શાસનમાં 7,327 આતંકવાદી ઘટનાઓ બની હતી. મોદીજીના નવ વર્ષના શાસનમાં આતંકવાદ તેની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. કલમ 370 નાબૂદ કર્યા પછીના 47 મહિનામાં, હડતાલના માત્ર 32 કોલ આવ્યા હતા જ્યારે પથ્થરબાજીમાં 90% ઘટાડો થયો છે. J&Kના યુવાનોએ હવે પત્થરોની જગ્યા લેપટોપ અને પુસ્તકોને આપી છે. શાહે કહ્યું હતું કે, માત્ર 2022માં જ 1.88 કરોડ પ્રવાસીઓએ J&Kની મુલાકાત લીધી હતી. 22 અને 25 મે વચ્ચે J&Kમાં આયોજિત સફળ G20 સમિટ પણ આ પ્રદેશમાં શાંતિના શાસનની સાક્ષી આપે છે.