રાજકોટની સરકારી શાળામાં બાળકોને છજા પર ચડાવી કરાવી જીવના જોખમે સફાઈ

રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. રાજકોટ શહેરના અશોક ગાર્ડન નજીક આવેલ શાળા નંબર 81માં શિક્ષકની ઘોર બેદરકારી સામે આવી છે. શાળા દ્વારા બે બાળકોને શાળાના છજા ઉપર ચડાવી સફાઇ કરાવવામાં આવી રહી છે. ઘણી વખત શાળાઓની ગેરરીતિના વીડિયો સામે આવતા હોય છે. આવી જ રીતે રાજકોટની એક શાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોતા જ લોકો કહી રહ્યા છે કે, શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોકલવામાં આવે છે કે, પછી કામ કરાવવા. રાજકોટની શાળા નંબર 81 ના આ વીડિયોમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે સફાઈ કરતા જોવા મળી રહ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ, શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવાતી હોવાના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે આજે વધુ એક શાળાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં અશોક ગાર્ડન નજીક આવેલી શાળા નંબર 81 જમશેદજી તાતામાં આજે બપોરના 1.30 વાગ્યા આસપાસ શાળાના મુખ્ય બિલ્ડિંગના છજા પર બાળકોને જીવના જોખમે ચડાવીને હાથમા સાવરણા પકડાવી સાફસફાઈ કરાવવામાં આવી હતી. ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં એક શિક્ષિકા નીચે રહી બાળકોને સફાઈ માટે સૂચના આપતા હોય એવું સ્પષ્ટ જોવા મળતા શાસનાધિકારી કિરીટસિંહ પરમાર તરત સ્થળ પર પહોંચ્યા હતા.

કિરીટસિંહ પરમારનાં જણાવ્યા મુજબ, આ વિડીયો સામે આવતા જ હું ત્વરિત તપાસ માટે આવ્યો છું. જો કે, આચાર્યનું કહેવું છે કે શાળા બહારનાં બાળકો છે. છતાં હું આખી તપાસ કરી લઉં, પછી એના આધારે જે પરિણામ આવશે તે જણાવીશ. આ બાળકો શાળાની બહારનાં હોય તો પણ છજાની ઉપર ચડાવીને સફાઈ કરાવવી જરાપણ યોગ્ય નથી. હું આચાર્ય – શિક્ષકો સાથે બેઠક કરીશ. એમાં જો કોઈ કસૂરવાર ઠરશે તો સ્કૂલના કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ જગતના જાણકાર લોકો આ ઘટનાને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની બેદરકારી ગણાવી રહ્યા છે. આજે શાળાનો વીડિયો વાયરલ થયો છે, તે રાજકોટ શહેરની મહાનગરપાલિકા સંચાલિત શાળા છે.

આ શાળા રાજકોટ શહેરના અશોક ગાર્ડન પાસે આવેલી છે. વીડિયોમાં સામે આવ્યું હતું કે, અહીં બે બાળકોને શાળાના છજા ઉપર ચડાવી સફાઇ કરાવવામાં આવી રહી હતી. ઉલ્લેખનીય છે કે, આમ તો ગુજરાત સરકાર દ્વારા વાંચે ગુજરાત ભણશે ગુજરાતની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે. પરંતુ વારંવાર શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવવામાં આવતી હોવાનું સામે આવે છે. ત્યારે આ વખતે તો માત્ર સાફ સફાઈ જ નહીં પરંતુ બાળકોને છજા ઉપર ચડાવી તેઓના જીવને પણ જોખમમાં મૂકી દીધા હતા. ત્યારે કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ ? તે સહિતના સવાલો હાલ લોકો ઉઠાવી રહ્યા છે. જોકે સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન અતુલ પંડિતે પણ જણાવ્યું છે. ત્યારે હવે કેવા પગલાં લેવાશે તે જોવું રહ્યું.

માત્ર સાફ સફાઈ જ મુદ્દો નહિ પરંતુ આ વખતે તો શાળાના શિક્ષકોએ હદ વટાવી બાળકોના જીવ જોખમમાં મૂકી દીધા છે. બાળકોને છજા પર ચડાવવામાં આવ્યા અને જો આકસ્મિક બનાવ બને તો જવાબદાર કોણ તે પણ સૌથી મોટો સવાલ છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું હતું કે, મને આ બાબતે ખ્યાલ નથી પરંતુ આપના દ્વારા મને ધ્યાન દોરવામાં આવ્યું છે માટે હું ખુદ અત્યારે જ શાળાએ પહોંચી તપાસ કરાવું છું અને જવાબદાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.