સિદ્ધપુરમાં પાઈપલાઈનમાંથી મળી આવેલા મૃતદેહના અવશેષો અને ગુમ યુવતીના માતાપિતાના DNA મેચ થયા.

અમુક અમુક એવી ઘટના સામે આવતી હોય છે,જે જાણીને ચકચાર મચી જતી હોય છે.પાટણના સિદ્ધપુરમાં પીવાના પાણીની પાઈપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળ્યા બાદ હવે આ અવશેષો સિદ્ધપુરમાંથી ગુમ થયેલી લવિના નામની યુવતીના જ હોવાનું સ્પષ્ટ થયું છે.

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 16 તારીખે પ્રથમવાર પીવાના પાણીની પાઈપલાઈનમાંથી શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા.બીજી તરફ સિદ્ધપુરમાં જ રહેતી લવિના નામની યુવતી પણ ગુમ થયાનું સામે આવ્યું હતું અને તેના એક સીસીટીવી પણ સામે આવ્યા હતા. પાઈપલાઈનમાંથી જે અવશેષો મળ્યા હતા તેના પીએમ રિપોર્ટમાં આ અવશેષો યુવતીના જ હોવાનો ખુલાસો થયો હતો.

આ અવશેષો ગુમ થયેલી લવિનાના જ છે કે નહીં તે નક્કી કરવા માટે લવિનાના માતાપિતાનો DNA રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે આવતા તેમાં સ્પષ્ટ થયું છે કે, સિદ્ધપુરમાં અલગ અલગ વિસ્તારની પાઈપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા તે લવિનાના જ હતા.

લવિનાના 12મેંના રોજ લગ્ન હતા.લગ્નના પાંચ દિવસ પહેલા એટલે કે 7મેંના રોજ લવિના ગુરુદ્વારા જવાનું કહ્યા બાદ ઘરેથી નીકળી હતી અને ગુમ થઈ ગઈ હતી.પોલીસ તપાસમાં પાણીની ટાંકી તરફ જતા રસ્તા પરના એક સીસીટીવી મળ્યા હતા જેમાં લવિના જોવા મળી હતી. પાણીની ટાંકીમાંથી એક દુપટ્ટો મળી આવ્યો હતો, જે તેના પરિવારજનોએ ઓળખી બતાવ્યો હતો.