મોંઘવારીમાં સુરતના પુણામાં આવેલ સત્યમ એપાર્ટમેન્ટ અને આકાશગંગા એપાર્ટમેન્ટમાં 1 થી 1.50 લાખના પાણીના બિલો આવતા ત્યાંના રહીશોમાં રોષ.

સુરત (Surat): હવે સુરતના અમુક વિસ્તારમાં પાણીના પણ મીટર લગાવી દેવામાં આવ્યા છે  એવામાં કોર્પોરેશન દ્વારા શહેરમાં લગાડવામાં આવેલા પાણીના મીટરને લઈને સતત તકરારોનું પ્રમાણ વધી રહ્યું છે. વોર્ડ નં-16 પુણા પશ્ચિમના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સ્થાનિક સત્યમ અને આકાશગંગા સોસાયટીમાંથી ફરિયાદ મળી હતી કે, પાણીના બિલો ખૂબ જ આડેધડ ફાટકારવામાં આવ્યા છે.

એક તરફ મીટર લગાડી દેવામાં આવ્યા છે અને તેના બિલ પણ નિયમિત પ્રમાણે આપવામાં આવતા નથી. એકસાથે બિલ આપવાને કારણે લોકોના બિલ હવે લાખો રૂપિયામાં આવી રહ્યા છે. આ પ્રકારની શાસન વ્યવસ્થા ખરેખર શરમજનક છે.પ્રતિનિધિઓ તરત જ સ્થળ પર ગયાં તો સ્થાનિક લોકોનું કહેવું હતું કે, આવી કારમી મોંઘવારીમાં ઘર માંડ-માંડ ચલાવી શકીએ છીએ ત્યારે તેલ, ગેસ, શાકભાજીથી માંડીને ઘર-વપરાશની ચીજવસ્તુઓના ભાવો આસમાને આંબે છે.

પહેલા તો પ્રજાની એવી ઈચ્છા છે કે, આ મીટર ઉખાડીને ફેંકી દેવા જોઈએ. જ્યાં મીટર લગાડવામાં આવ્યા છે ત્યાં 24 કલાક પાણી પણ આપવામાં આવતું નથી માત્ર વાતો કરવામાં આવે છે તેમછતાં મીટરના નામે રૂપિયા ખંખેરવાની નીતિ કોર્પોરેશનની જોવા મળી રહી છે.