બોલો અમદાવાદના આ નવા નક્કોર ટેનિસ કોર્ટમાં કોઈને એન્ટ્રી નથી મળી અને એ પહેલા જ ખંડેર બની ગયું

અમદાવાદનું ટેનિસ કોર્ટ રમવા માટે ક્યારે ખૂલશે તેની રાહ જોઈ રહેલા ખેલાડીઓ જાણી લો કે, તમારી એન્ટ્રી પહેલા જ આ ટેનિક કોર્ટ ખંડેર હાલત જેવું બની ગયું છે. મેમનગર ખાતે મોટો ખર્ચ કરીને ટેનિસ કોર્ટ તૈયાર કરીને તેને તાડું મારીને મૂકી દેવામાં આવ્યું છે પરંતુ આ તાડું ખૂલ્યું ના હોવાથી લાખો, કરોડોના ખર્ચે બનેલા ટેનિસ કોર્ટની દશા ખંડેર જેવી જ થઈ રહી છે.
સ્પોર્ટસ ક્ષેત્રે ગુજરાતીઓનું મેણું ભાગવા માટે અને નવા ખેલાડીઓ તૈયાર કરવા માટે તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જે માટે એક પછી એક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પણ રાજ્યમાં અને અમદાવાદમાં બની રહ્યા છે. ત્યારે ખેલાડીઓ મોટી સંખ્યામાં છે જેઓ તાલાવેલી સાથે મેમનગર, લાંભા જેવા વિસ્તારના ટેનિસ કોર્ટમાં રમવા માંગે છે પરંતુ નવાઈની વાત તો એ છે કે, આ વિસ્તારના ટેનિસ કોર્ટ કોની રાહ જોઈ રહ્યું છે. કેમ કે, લગાવવામાં આવેલી તકતી પણ તૂટીને કટકા થઈ ગઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારે સ્પોર્ટસ માટેના કોમ્પલેક્સ વગેરે બનાવવામાં આવે છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ ના થતો હોવાથી અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.
આગામી સમયમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબરના રોજ રમતોત્સવ ગુજરાતમાં યોજાઈ રહ્યો છે પરંતુ આ ભારેભરખમ તૈયારી વચ્ચે મેમનગરનું ટેનિસ કોર્ટ ધૂળ ખાઈ રહ્યું છે. અંદર ટેનિસ કોર્ટની લીલી ચાદર પર કચરો જોવા મળી રહ્યો છે. ગેટની બહાર મોટું ઘાસ ઉગી ગયું છે. જાણે કે ભૂલથી ટેનિસ કોર્ટ બનાવી દીધું હોય અને ખોલવાનું જ ના હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ટેનિસ રમતા પ્લેયર્સમાં પણ આ વાતને લઈને રોષ છે.
આ પ્રકારના ટેનિસ કોર્ટ બનાવવા માટે ભારેભરખમ કોન્ટ્રાક્ટરોને અપાતી હોય છે ત્યારે આ રકમ શું તેમને આપવા માટેનો ઉદ્દેશ્ય હોય છે કે, ખેલાડીઓને આ પ્રકારના ટેનિસ કોર્ટમાં રમાડીને નવી સફળતા અપાવવાનો તેને લઈને પણ સવાલો લોકોને થઈ રહ્યા છે.