ચૂંટણી પહેલા વિજાપુરમાં ભાજપના બે જૂથ પડતા ચિંતા વધી, આજે ફરી તિરંગા યાત્રામાં પૂર્વ ધારાસભ્યની ગેરહાજરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ પક્ષમાં વિજાપુર તાલુકાની અંદર જૂથવાદ સામે આવ્યો છે. કેમ કે, આજે ધારાસભ્ય રમણ પટેલની અધ્યક્ષતામાં 1 કિમીની તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ અને તેમના સમર્થકો ગેરહાજર રહ્યા હતા.

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપની તૈયારીઓ પણ તેજ થઈ રહી છે ત્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા વિજાપુર તાલુકા ભાજપના આંતરીક વિવાદે ભાજપની ચિંતા વધારી રહ્યો છે.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ભાજપમાં આ આંતરીક જૂથવાદ 7 ઓગષ્ટથી સામે આવ્યો હતો. આ જૂથવાદને લઈને તાલુકાનું રાજકારણ છેલ્લા કેટલાક દિવસથી ગરમાયું છે.  અગાઉ અન્ય બીજીપી સમર્થક ગ્રુપ દ્વારા પીઆઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રામાં ધારાસભ્ય રમણ પટેલની બાદબાકી કરાઈ હતી. કેમ કે, પહેલા  પીઆઈ પટેલની આગેવાનીમાં ભાજપના એક જૂથે તિરંગા યાત્રા યોજી હતી ત્યારે આજે રમણ પટેલ જૂથના સમર્થકોએ તિરંગા યાત્રા વિજાપુરમાં યોજતા પીઆઈ પટેલ આ તિરંગા યાત્રામાં જોવા મળ્યા નહોતા. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નીતિન પટેલ તેમજ પીઆઈ પટેલ જૂથમાંથી કોઈ આ યાત્રામાં જોવા નહોતું મળ્યું.

તિરંગા યાત્રાનો પ્રારંભ રાજ્ય કક્ષાનો થઈ ચૂક્યો છે. જિલ્લા અને તાલુકાઓમાં ભાજપના ધારાસભ્યો, આગેવાનો તેમજ નેતાઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે પરંતુ વિજાપુરમાં એક જૂથની હાજરીમાં અન્ય જૂથ જોવા ના મળતા બીજેપીની આ વિસ્તારમાં ચિંતા વધારી શકે છે.