ઉત્તરાયણ દરમિયાન જુઓ કેટલા પક્ષી થયા ઘાયલ, રેસ્ક્યુ કરીને અપાઈ સારવાર

ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની પાકી દોરી પક્ષીઓ માટે મુશ્કેલી સર્જે છે. અમદાવાદમાં આ વખતે ઉત્તરાયણ દરમિયાન અનેક પક્ષીઓ ઘાયલ થયા હતા અને ૭૦૦થી વધુ પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર આપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ કબુતરના ઘાયલ થવાના કોલ મળ્યા હતા.

ઉત્તરાયણમાં પતંગની કાચ પાયેલી પાકી દોરીઓને કારણે આકાશમાં ઊડતાં પક્ષીઓ દોરીને કારણે ઈજાગ્રસ્ત થતાં હોય છે. ઉત્તરાયણમાં આવાં ઘાયલ પક્ષીઓની સારવાર અને એમને દોરીમાંથી કાઢીને રેસ્ક્યૂ કરવા માટે ફાયરબ્રિગેડ, અનેક ખાનગી એનજીઓ અને સરકારી હેલ્પલાઇન દ્વારા સતત કામગીરી કરવામાં આવી હતી.અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા ઉત્તરાયણના દિવસે ૨૧ જેટલાં અને આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૧૪ જેટલાં એમ કુલ ૩૫ જેટલાં પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. સરકારની એનિમલ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા પણ અમદાવાદ શહેરમાં ૧૩૨ જેટલાં પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

ખાસ તો ચાઇનીઝ દોરીના કારણે અનેક પક્ષી ઘાયલ થયા હતાં અને રીતસર પાંખો કપાઇ ગઇ હતી.નવા નરોડા વિસ્તારમાં સંવેદના બર્ડ એન્ડ એનિમલ હેલ્પલાઇન દ્વારા નવયુગ સ્કૂલ પાસે ઉત્તરાયણના તહેવારમાં ૧૪-૧૫ જાન્યુઆરી એમ બે દિવસ પક્ષીઓની સારવાર અને રેસ્ક્યૂ માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં ઉત્તરાયણના દિવસે અંદાજે ૧૫૫થી વધુ જેટલાં પક્ષીઓની સારવાર અને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. અલગ-અલગ વોલન્ટીયર દ્વારા પક્ષીઓની સારવાર અને રેસ્ક્યૂ કરીને એમને બચાવવામાં આવ્યાં હતાં. આ બે દિવસના કેમ્પ દરમિયાન ૧૨ જેટલા ડોક્ટરો અને ૮૫થી વધુ વોલિયેન્ટીર્સે સેવા આપી હતી.