વીર જવાન મહિપાલસિંહની શહીદ યાત્રા, દીકરાના જન્મ પેહલા જ પિતાની વિદાય ,પતિને શ્રદ્ધાંજલિ આપવા ગર્ભવતિ પત્ની પહોંચતા આખું અમદાવાદ હિબકે ચડ્યું.

અમદાવાદ (Amdavad): શહીદ વીર મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને અમદાવાદ એરપોર્ટથી વિરાટનગર તેમના  નિવાસસ્થાન લાવવામાં આવ્યો હતો. જ્યાં વીરને અંતિમ વિદાઈ આપવા હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. શહીદ વીરનોનો પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાન જગદીશ વિશ્વકર્મા સહિતના રાજકીય આગેવાનોએ શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી. સેનાના જવાનો દ્વારા શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ સમયે મહિપાલસિંહના પત્ની અને માતા સહિતના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ઉપસ્થિત સૌ કોઇની આંખો ભીની થઇ.

શહીદના પત્ની પતિને અંતિમ વિદાઈ આપવા પહોંચતા વાતાવરણ ગમગીન થયું હતું અને ત્યાં હાજર સૌ કોઈની આંખો આંસુથી ભીજાઈ હતી. આમ સંતાનનું મુખ જુએ તો પહેલા જ અનંતની યાત્રાએ મહિપાલસિંહ નિકળ્યા.

મહિપાલસિંહ પાંચેક વર્ષ પહેલાં ભારતીય સેનામાં જોડાયા હતા. શરૂઆતમાં તેમણે જબલપુરમાં ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ ગુવાહાટી અને ચંડીગઢમાં ફરજ બજાવી હતી અને 6 મહિના પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ થયું હતું. તેઓ સેનાની વિશેષ ટુકડી 34 રાઈફલમાં સેવા આપતા હતા.