સુરત:માતા-પિતા માટે લાલબત્તી સામાન કિસ્સો,ત્રણ માસની પુત્રીને પિતાએ રમાડતાં રમાડતાં હવામાં ઉછાળતાં પંખા સાથે ટકરાતા મોત.,

અવાર નવાર એવી ઘટના સામે આવતી હોય છે,જેનાથી  ચકચાર મચી જતી હોય છે,એવી જ એક ઘટના સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સામાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં લિંબાયતમાં ઘરમાં ત્રણ મહિનાની બાળકીને પિતા ઉછાળીને રમાડી રહ્યા હતા. એ સમયે તેને માથામાં પંખાની પાંખ વાગતાં ગંભીર ઈજા પહોંચી હતી. એ બાદ પરિવાર બાળકીને જુદી જુદી ત્રણ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતા. બાળકીને રમાડવાનો હરખનો માહોલ પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગયો હતો.

ખાનપુર ખાતે ભાડાના મકાનમાં રહેતા મસરુદ્દીન શાહ મજૂરીકામ કરી ત્રણ પુત્રી, એક પુત્ર તેમજ પત્નીનું ભરણપોષણ કરે છે. શ્રમજીવી મસરુદ્દીનને ત્રણ મહિના પહેલાં જ ઝોયા નામની ત્રીજી દીકરીનો જ્ન્મ થયો હતો. તેઓ 13મી મેના રોજ સવારે સૌથી નાની પુત્રી ઝોયાને ઘરમાં રમાડી રહ્યા હતા.

પિતા પોતાની લાડકવાયી પુત્રીને વહાલ કરવામાં ખૂબ જ હરખમાં આવી ગયા હતા અને આ હરખમાં રમાડતાં રમાડતાં તેમણે પુત્રીને અચાનક હવામાં ઉછાળી હતી. એમાં છતના ચાલુ પંખાની પાંખની ધાર માથામાં વાગતાં માસૂમ ઝોયા ત્યાં જ ફસડાઈ પડી હતી. પુત્રીને માથામાં થયેલી ગંભીર ઇજા જોઈ માતા-પિતા સહિતના પરિવારના સભ્યોએ રડારોળ કરી મૂકી હતી. એ બાદ તેમણે તાત્કાલિક પુત્રીને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડી હતી.

આ દુર્ઘટના અંગે બાળકીના પિતાએ જણાવ્યું હતું કે રમાડતાં રમાડતાં પંખામાં બાળકી અડી ગઈ હતી. એને લઇ સારવાર માટે તાત્કાલિક ફીમેલ મેડિકલ કોલેજ લઈ ગયા અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેની સારવારનો ખૂબ જ મોટો ખર્ચો કહ્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ કહ્યું હતું કે ગમે એટલો ખર્ચો કરાવશો, પણ બાળકીનું બચવું ખૂબ જ મુશ્કેલ છે.