ભયંકર વાવાઝોડું ‘મોચા’ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આગળ વધી રહ્યું છે,શું ખુબ જ તબાહી મચાવશે?જાણો હવામાન વિભાગની આગાહી…

બંગાળની ખાડીમાં લો પ્રેશર વિસ્તાર બનવાને કારણે મોચા વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. આ વાવાઝોડું વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ અઠવાડિયે આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ ની ચેતવણી પણ જારી કરી છે.

ભારતીય હવામાન વિભાગે સોમવારે ચેતવણી આપી છે કે બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાત મોચા શુક્રવાર સુધીમાં ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.પવનની ઝડપ 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સાથે, વિભાગે એમ પણ કહ્યું કે તેના લેન્ડફોલની વિગતો મંગળવાર સુધીમાં મળી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે સોમવારે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેની નજીકના દક્ષિણ અંદમાન સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર બન્યું હતું. તે 9 મેના રોજ ડિપ્રેશનમાં અને 10 મેના રોજ ચક્રવાત મોચામાં તીવ્ર બને તેવી શક્યતા છે. આ વાવાઝોડું 12 મેની આસપાસ બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધવાની સંભાવના છે.

માછીમારો, જહાજો, ટ્રોલર અને નાની બોટોને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ન જવા કહ્યું અને વિસ્તારના લોકોને કિનારે પાછા ફરવા વિનંતી કરી. IMDના ડિરેક્ટર મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “ચક્રવાત વાવાઝોડું શરૂઆતમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ મધ્ય બંગાળની ખાડી તરફ 11 મે સુધી આગળ વધશે અને પછી ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ ફરીને બાંગ્લાદેશ-મ્યાનમારના કિનારા તરફ વળશે.” મહાપાત્રાએ કહ્યું કે હવામાન પ્રણાલીના પ્રભાવ હેઠળ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મંગળવારે ભારે વરસાદ થવાની સંભાવના છે.