સુરત શહેરમાં દુબઈથી આવેલા યુવાનનો કોવિડ રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જાણો વિગત

ચીન સાથે વિશ્વના અનેક દેશોમાં ફરીવાર કોરોનાએ કરી એન્ટ્રી. કોરોનાને લઈ ભારત સરકાર પણ થયું એલર્ટ અને ગઈકાલે દેશભરની સરકારી હોસ્પિટલોમાં મોકડ્રિલ કરાઈ હતી. આ સમયે સુરત શહેરમાં દુબઇની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા રાંદેરના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી છે. મ્યુનિ.એ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર મોકલ્યા છે. જોકે દર્દીના પરિવારના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

યુવક કેમ ગયો હતો દુબઈ: વિશ્વના અન્ય દેશમાં કોવિડ સંક્રમણ કેસ વધ્યા પછી ભારત સરકારે પણ કેટલીક સૂચનાઓ જાહેર કરી છે. આ ગાઈડલાઈનના ભાગ રૂપે ઇન્ટરનેશનલ ટ્રાવેલરના 2 % પેસેંજરના ટેસ્ટિંગ એરપોર્ટ ખાતે કરવાના હોય છે. આ ટેસ્ટિંગના ભાગ રૂપે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં એક વ્યક્તિ પોઝિટિવ આવ્યો છે. રાંદેર ઝોનમાં રહેતો અને છેલ્લા 30 દિવસથી ધંધા અર્થે દુબઈ ગયેલા 25 વર્ષીય યુવાન સુરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે રેન્ડમ ચેકીંગમાં આ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે.

રસીના બંને ડોઝ લઈ ચુક્યો છે યુવાન: રાંદેર ઝોનમાં રહેતા આ દર્દીને હાલમાં કોવિડના કોઈ પ્રકારના બાહ્ય લક્ષણો દેખાતા નથી. આ વ્યક્તિએ કોવિડ-19 રસીના બે ડોઝ લીધા છે. હાલ કોઇ લક્ષણો ન હોવાથી હોમ આઇસોલેશનમાં છે. આ વ્યક્તિના પરિવારમાં અન્ય ચાર સભ્યો છે પણ તેમના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

કોવિડ વેરિઅન્ટ BF.7ના કેવા છે લક્ષણો: કોવિડ વેરિઅન્ટ BF.7નું સામાન્ય લક્ષણ ફ્લૂ જેવું જ છે. જેમાં શરદી, ઉધરસ, તાવ, કફ, શરીરનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત, આ ચેપ ઓછા સમયમાં વધુ ફેલાય છે. નિષ્ણાતો કહે છે કે જાહેર સ્થળોએ સાવચેતી રાખવી જરૂરી છે. અહેવાલો અનુસાર, BF.7 વેરીઅન્ટ શ્વસન માર્ગને ચેપ લગાડે છે. તેથી તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, વહેતું નાક, નબળાઇ, થાક જેવા લક્ષણો દેખાય છે. કેટલાક ચેપગ્રસ્ત વ્યક્તિઓમાં ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણો પણ જોવા મળે છે. જો કે લોકો 4-5 દિવસમાં સ્વસ્થ થઈ રહ્યા છે, ગભરાવાની જરૂર નથી પરંતુ ટ્રાન્સમિશન રેટ ખૂબ જ ઊંચો છે. તેથી બને ત્યાં સુધી ભેગા થવાનું ટાળો અને બહાર જતી વખતે માસ્કનો ઉપયોગ કરો.

શું કોરોના BF.7 અત્યંત ચેપી છે: સબ-વેરિઅન્ટ BF.7 વિશે સૌથી ખતરનાક બાબત એ છે કે જે લોકોને કોરોનાની રસી મળી છે તેઓ પણ આ વેરિઅન્ટથી સંક્રમિત થઈ શકે છે. તે પહેલાથી જ યુએસ, યુકે અને બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક જેવા યુરોપિયન દેશો સહિત ઘણા દેશોમાં જોવા મળે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, નવા સબવેરિયન્ટ અગાઉના પ્રકારના કુદરતી ચેપને કારણે વ્યક્તિ દ્વારા વિકસિત રોગપ્રતિકારક શક્તિને પણ ઝડપથી બાયપાસ કરે છે.