અમદાવાદ (Amdavad): આજનો નશો કાલે નુકસાન કરે જ છે, જેનો એક ચોંકાવનારો કેસ મહેસાણાની એક 30 વર્ષની મહિલામાં જોવા મળ્યો છે. મહિલાએ બાળકને જન્મ તો આપ્યો પણ બાળકનો રંગ વાદળી કલરનો જોવા મળ્યો હતો. જન્મતાની સાથે જ બાળક ન રડ્યું કે ન શ્વાસ લઈ શકતું.જો કે, બાળકનું હદૃય ચાલુ હતું. બાળકનો કલર પણ વાદળી થવા લાગ્યો હતો. આથી જે હોસ્પિટલમાં બાળકની ડિલિવરી થઈ ત્યાંથી બાળકને પીડિયાટ્રિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
મહેસાણાની પીડિયાટ્રિક હોસ્પિટલમાં બાળકને વેન્ટિલેટર પર રાખીને ડોક્ટર દ્વારા સારવાર કરવાની શરૂઆત કરાઈ હતી. શરૂઆતમાં બાળકને બર્થ એઝેકઝિયા હોવાની માનીને સારવાર કરવામાં આવી હતી. જેમાં બાળકને ગર્ભમાં જ ઓક્સિજનની ઊણપ હોય છે.બાળકને સાંજ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યું પરંતુ સારું ન થતા અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો..
બાળકનું પરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે બાળક કોમામાં હોવાનું જાણવા મળ્યું હતું. ડોક્ટર દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ બાળક તરફથી કોઈ રિસ્પોન્સ મળતો નહોતો.ડો.આશિષ મહેતાએ જણાવ્યું હતું કે, બાળકની માતા ગર્ભવતી હોવા છતાં પણ તમાકુનું સેવન કરતી હતી. ત્યારે બાળક પેટમાં પણ હલન ચલન ઓછું કરતું હોવાની જાણ થઈ હતી. જેથી બાળકનો નિકોટીન ટેસ્ટ કરાવવો જરૂરી હતો.
અમે અહીંયાં લેબમાં બાળકના સેમ્પલ મોકલાવીને સ્પેશિયલ નિકોટીન ટેસ્ટ કરાવ્યો ત્યારે તેનું પરિણામ ખૂબ ચોંકાવનારું હતું. કારણ કે, સામાન્ય માણસ નિકોટીનનું સેવન કરે તેનામાં નિકોટીનનું પ્રમાણ 0.3થી 3 સુધીનું હોય છે પરંતુ આ બાળકમાં 6૦ હતું. નવજાત બાળકમાં સામાન્ય માણસ કરતાં 20 ગણું નિકોટીનનું પ્રમાણ ચિંતાજનક હતું. માતા રોજની 10થી 15 પડીકી તમાકુ ખાતી હતી.
ડો.આશિષ મહેતાએ આગળ વાત કરતા જણાવ્યું હતું કે, અમે બાળકને 21 જૂનથી મોનિટરિંગમાં જ રાખ્યું હતું. બાળકને વેન્ટિલેટર પર રાખીને બ્લડપ્રેશર અને અન્ય દવા ચાલુ જ રાખી હતી. બાળકના યુરિન મારફત નિકોટીન બહાર નીકળતું હતું. 5 દિવસ સતત આ પ્રક્રિયા કર્યા બાદ બાળકે છઠ્ઠા દિવસે આંખો ખોલી હતી. આમ છતાં અમે બાળકને 2 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખ્યું હતું.