રાજકોટ (Rajkot ):આજકાલ જુવાનિયાઓને ગમે ત્યારે ગમે તે સમયે મોત આવી રહ્યું છે. આવામાં સગીર બાળકો પણ મોતનો શિકાર બની રહ્યાં છે. ત્યારે આજે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મૂળ રાજકોટના 12 વર્ષના કિશોરનું ધ્રોલમાં અચાનક બેભાન થઈ જતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી જાણકારી મુજબ ,રાજકોટના ગોંડલ રોડ પર રહેતા ગિરીશભાઈ સોરઠીયા કારખાનામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. મોટી દીકરી ધોરણ 11 માં અભ્યાસ કરે છે, તો દીકરો વ્રજ સોરઠીયા ધોરણ-6 માં અભ્યાસ કરે છે.
મૃતક વ્રજ સોરઠીયા ધ્રોલ ખાતે એક શિક્ષકના ઘરમાં રહી સૈનિક સ્કૂલનો અભ્યાસ કરતો હતો.વ્રજ ગિરીશભાઈ સોરઠિયાના શિક્ષક રાજેન્દ્રસિંહ બારડના જણાવ્યા મુજબ, વ્રજ સહિતનાં બાળકો મારી પાસે રહીને સૈનિક સ્કૂલ માટેની તૈયારી કરે છે. ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ બધાં બાળકો સૂઈ ગયાં હતાં.
બાદમાં વધુમાં જણાવ્યું હતું કે , રાત્રે એકાદ વાગ્યે મેં ચેક કરતા બધા સૂતા હતા. ફરી રાત્રે સાડા ત્રણ વાગ્યે તપાસ કરતા વ્રજ તેની જગ્યાએથી પડી ગયો હતો. આ કારણે મેં તેને પૂછતાં તે બેભાન હોવાનું જણાયું હતું. જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે, ત્યાં કોઈ ડોક્ટર નહીં હોવાથી તેને સિવિલમાં ખસેડાયો હતો.જ્યા તબીબોએ તેનું સુગર લેવલ 448 જેટલું આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે.ત્યાં બાળકને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. જોકે ડોક્ટરની પ્રાથમિક તપાસમાં તેનું સુગર લેવલ વધી ગયું હોવાનું ખૂલ્યું છે. હાલ પોલીસે મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.