રાજકોટમાં સગર્ભા પત્નીને મળવા જતા યુવકને કાળ ભેટી ગયો: આઠ મહિના પહેલા જ લગ્ન થયા હતાં….

રાજકોટ (Rajkot):મોટા શહેરોમાં અકસ્માત છાસવારે થાય છે  એમાં આજે એક રુવાડા ઉભા કરી દે તેવો અકસ્માત સામે આવ્યો છે . મળતી જાણકારી મુજબ રાજકોટ શહેરના ન્યુ થોરાળા વિસ્તારની ન્‍યુ સર્વોદય સોસાયટીમાં રહેતા પ્રકાશભાઇ કાંતિભાઇ પરમાર (ઉં.વ.25) આજે સવારે રાજકોટથી પોતાનું એક્‍ટિવા જીજે.03.એલક્‍યુ.3389 લઇ માટેલ સસરાના ઘરે જવા નીકળ્યા હતા.

રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક ગુંદા ગામના પાટીયા પાસે લાકડા ભરેલી છકડો રિક્ષાની ઠોકરે રાજકોટના એક્‍ટિવાચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક પ્રકાશભાઇ ઘર પાસે કરિયાણાની દૂકાન ચલાવતા હતા. આઠ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતાં. ત્યારે હાલ પોલીસે છકડો રિક્ષાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી.

બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ સ્‍ટાફ ઘટનાસ્થળે પહોંચ્‍યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. હાલમાં તેમના પત્‍નિ મનિષાબેન સગર્ભા હોવાથી માવતરે માટેલ ગામ ગયા હતા. જેને મળવા માટે પ્રકાશ ત્‍યાં જઇ રહ્યો હતો, ત્‍યારે રસ્‍તામાં જીવલેણ અકસ્‍માત નડયો હતો. યુવકના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.