રાજકોટમાં સર્જાઈ પાણીની સમસ્યા, શિયાળામાં જ પાણી માટે વલખાં જુઓ રોષે ભરાયેલી મહિલાઓ

રાજ્યમાં હજી ઠંડીએ સંપૂર્ણ પાને વિદાય નથી લીધી ત્યાં તો પાણીની મથામણ શરૂ થઇ ગઇ છે. રાજકોટનાં વોર્ડ નંબર-11માં સ્થાનિકો પાણીની સમસ્યાની ફરિયાદ કરી રહ્યા છે. પાણી મુદ્દે મહિલાઓ આકરા તેવરમાં દેખાઇ રહી છે. સ્થાનિક લોકો આ અંગે આક્ષેપ કરી રહ્યા છે કે, તંત્ર માત્ર 10 મિનિટ જ પાણી આપે છે. જો તંત્ર પાણીની સમસ્યાનો જલ્દી ઉકેલ નહીં લાવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઉનાળાની શરૂઆત થયા પહેલા જ મહાનગરોમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. રાજકોટના વોર્ડ નંબર-11માં પાણીની સમસ્યા ઉભી થઈ છે.

જેના વિરોધમાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. શહેરના મવડી વિસ્તારમાં આવેલા સોરઠીયા પાર્કમાં પાણી ના આવતા સ્થાનિકોએ મનપાના અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કે, ચૂંટણી સમયે મત માગવા નેતાઓ આવી જાય છે. પરંતુ પાણીની સમસ્યાનો નિકાલ કરવા એક પણ નેતા કે કોર્પોરેટરો ફરકતા નથી. પાણીવેરો ભરવા છતા એક ટીપું પાણી ન આવતા સ્થાનિકોએ મનપાના અધિકારીઓ પર આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિકોના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા.

કોંગ્રેસનો પણ આરોપ છે કે પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થાય છે. સોરઠીયા પાર્કમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ અગાઉ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ ગંગેશ્વર મંદિરના આજુબાજુના ઘરોની અંદર પીવાના પાણીની અંદર સમસ્યાના કારણે 500થી વધુ પરિવાર મુશ્કેલીમાં મુકાયા હતા. સુરતના અડાજણના કેટલાક વિસ્તારોની અંદર પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વોર્ડ નં.11માં આજે મહિલાઓ પાણી મામલે રણચંડી બની છે. મહિલાઓનું કહેવું છે કે, ફક્ત 10 મિનિટ જ પાણી આપવામાં આવતા પૂરતું પાણી મળતું નથી અને રોજબરોજનાં કામમાં જ પાણી વગર રખડી રહ્યા છે. 10 મિનિટમાં પણ ધીમા ફોર્સ સાથે પાણી આવતા લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.