સુરત(surat):રાજ્યમાં નશાબંધી દારૂબંધી હોવા છતાં કોઈક ને કોઈક જગ્યાએથી દારૂ તેમજ ગાંજા જેવી વસ્તુ મળી આવતી હોય છે.સુરતમાંથી વધુ એક વખત ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો છે. કતારગામ પોલીસે રેલવે પાસે આવેલા શૌચાલયના ભોય તળિયાના ખાલી ટાંકામાં સંતાડેલો બિનવારસી 10.09 લાખની કિમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.
નશીલા પદાર્થોને ઝડપી પાડી યુવાધનને બરબાદી તરફ જતા રોકવાનો પ્રયાસ સુરત પોલીસ દ્વારા ચાલી રહ્યો છે. તેવામાં સુરતની કતારગામ પોલીસે મોટી માત્રામાં બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.
કતારગામ પોલીસને માહિતી મળી હતી કે, કતારગામ જીઆઈડીસી રેલવે પટરી પાસે આવેલા આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના બંધ શૌચાલયના ભોય તળિયાના ખાલી ટાંકામાં ગાંજાનો મોટો જથ્થો સંતાડેલો છે.
તેના આધારે પોલીસે ટીમ દ્વારા અહીં તપાસ કરતા ભોય તળિયે આવેલા ટાંકામાંથી ખાખી કલરના પ્લાસ્ટિકમાં વ્યવસ્થિત રીતે પેકિંગ કરેલી હાલતમાં ગાંજાના 50 પેકેટ મળી આવ્યા હતા.
ગાંજાના પેકેટની તપાસ કરતા અંદર કુલ 10.09 લાખની કિંમતનો 100.92 કિ.ગ્રા.ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.ગાંજાનો જથ્થો લાવી શૌચાલયની ટાંકીમાં સંતાડનાર ઈસમોની શોધખોળ હાથ ધરી છે.