મહુવામાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ઇન્જેક્શન આપતાં રિએક્શન આવતા 10થી 12 દર્દીઓ તરફડિયાં મારવા લાગ્યા જયારે એકનું મોત..

ભાવનગર (Bhavnagar ):ગરીબી રેખા નીચે જીવતા લોકોને જનરલ હોસ્પિટલ સિવાય અન્ય કોઈ ઈલાજ નથી  કરાવી શકતા તેવામાં જનરલ હોસ્પિટલમાં આવી બેદરકારી સામે આવી તે ખૂબ જ દુઃખદ ગણાય. ઘટનાની મળતી માહિતી મુજબ ,રવિવારે રાત્રે મહુવા સરકારી હોસ્પિટલમાં દાખલ દસથી વધુ દર્દીઓને અચાનક રીએક્શન આવ્યા.

હોસ્પિટલના જનરલ વોર્ડમાં કુલ 11થી 12 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. તેવામાં કેટલાક દર્દીઓને ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. ઈન્જેક્શન મારતા જ થોડીવારમાં તમામ દર્દીઓને રિએક્શન આવવા લાગ્યા હતા. જેથી દર્દીઓ તરફડીયા મારવા લાગ્યા હતા.

દર્દીઓને આપવામાં આવેલી બોટલ તથા સિરીંજ ક્ષતિગ્રસ્ત હોવાથી રીએક્શન આવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.રિએક્શન આવતા છ દર્દીઓમાંથી ત્રણ દર્દીઓ નદીમ શેખ, પૂનમ ગિયડ તથા ગફાર અગવાનને વધારે રિએક્શન થતાં અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા.

જેમાંથી 22 વર્ષીય વસીમભાઈ શેખનું મૃત્યુ થયું અને અન્ય બે દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.12 વર્ષની કિશોરીના પિતા ભીમભાઈ ભાયાભાઈ ગઢવીએ ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે, શનિવારે દીકરીને ભણવા મોકલી હતી. ત્યારે અચાનક તેને ચક્કર આવવા લાગ્યા અને તાવ આવતા શિક્ષકે 108ને ફોન કરી તાત્કાલિક મારી દીકરીને મહુવા સરકારી હોસ્પિટલ સારવાર અર્થે મોકલી હતી. એક દિવસ સારુ થયું. ત્યાર બાદ રવિવારે એકસાથે સાત દર્દીઓને બાટલા ચડાવતા રિએક્શન આવવા લાગ્યા અને મગજમાં તાવ ચડી જતાં તરફડીયા મારવા લાગ્યા હતા. જેથી અમે લોકો તાત્કાલિક ત્યાંથી પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી ગયા હતા

ઘટનાને લઈ દર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. જ્યારે રાજ્યમાં રોગચાળો વકર્યો છે. શરદી, ઉધરસ, તાવ જેવા રોગોના અનેક દર્દીઓ જનરલ હોસ્પિટલમાં સારવાર લેતા હોય છે. તેવામાં જનરલ હોસ્પિટલમાં આવી બેદરકારી સામે આવતા પરિવારજનોએ હોસ્પિટલમાં રોષ ઠાલવ્યો હતો.