કચ્છ જિલ્લામાં ૧૩,૭૩૫ મંડળીઓ, સહકારી સંસ્થાઓ, સભાસદો પર તિરંગો ફરકાવવાનું આયોજન

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન આજથી 15 ઓગષ્ટ સુધી “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાની સહકારી સંસ્થાઓ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ ઉત્સાહપૂર્વક ભાગ લે એવું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, કચ્છ દ્વારા સહકારી સંસ્થાઓ સાથે વિશાળ પ્રમાણમાં સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો, સભાસદો “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા તેની તમામ ૭૫૦ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના દૂધ કલેકશન સેન્ટર પર, કચ્છ જિલ્લા સહકારી મધ્યસ્થ સહકારી બેંકની તમામ ૧૯ બ્રાંચ અને ૪૩૪ સેવા સહકારી મંડળીઓ પર તેમજ સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી, વ્યવસ્થાપક કમિટીના સભ્યો દ્વારા પોતાની સહકારી મંડળી, પોતાના ઘર પર આ સમયગાળા દરમિયાન તિરંગો લહેરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાની નાગરિક સહકારી બેંક લી., ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઓ તેમજ અન્ય પ્રકારની સહકારી મંડળીઓ પોતાના મકાન પર તિરંગો લહેરાવશે. જિલ્લાની તમામ સહકારી મંડળીઓ, સહકારી મંડળીઓના વ્યવસ્થાપક કમિટીના સભ્યો, મંડળીના અન્ય સભાસદો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, તેના બોર્ડ મેમ્બર્સ મળી કુલ ૧૩૭૩૫ સ્થળો પર તિરંગો લહેરાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. “હર ઘર તિરંગા “કાર્યક્રમમાં જિલ્લાની તમામ સહકારી સંસ્થા, સહકારી સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો, સભાસદો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે અનુરોધ કરાયો છે તેવું ડી.વી.ગઢવી, જિલ્લા રજિસ્ટ્રાર ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.