સુરતમાં આયોજિત શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં કષ્ટભંજન દેવની 3D રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર અને તે અલગ અલગ થીમ પર બનાવવામાં આવી હતી .
શહેરના ઉત્રાણ વિસ્તારમાં તાપી નદીના કિનારે ગજેરા ગ્રાઉન્ડ પર શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા ત્યારે અહીં મેદાનમાં આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવતી રંગોળી અહીં આકર્ષણનું કેન્દ્ર બની હતી અને આ કથામાં સુરતીઓએ દાન પણ દિલ ખોલીને કર્યું હતું .
શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના આયોજન અંતર્ગત વરાછા વિસ્તારમાં રહેતી આર્ટિસ્ટ સંજના ગોયાણી અને જાનવી વાસ્તરપરા એન્ડ ટીમ દ્વારા 6 દિવસ દરમિયાન રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળીમાં માત્ર સામાન્ય કલરોનો જ નહીં પરંતુ તેનો શણગાર કરવા માટે અન્ય ડેકોરેશનની વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેને લઈને ખૂબ જ મનમોહક રંગોળી તૈયાર થતી જોવા મળી હતી.
7 દિવસ ચાલેલી આ કથા દરમિયાન ડેકોરેશન માટે અલગ અલગ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો . પરંતુ આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતી દરરોજની રંગોળી એ લોકોના હૃદયમાં અલગ જ સ્થાન મેળવ્યું હતું.ફૂલની પેટન્ટ વાળી રંગોળી, ફૂલના મોર વાળી રંગોળીથી લઈને 51 હજાર રામ નામની બનાવેલી રંગોળી , કઠોળમાંથી બાળ હનુમાનની બનાવેલી રંગોળી તેમજ કષ્ટભંજન દેવની રંગોળી એ ભલભલાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સૌથી અગત્યની વાત એ છે એક રંગોળી 3D હતી. જેમાં ભગવાનના વાઘા પણ તૈયાર કર્યા હતા. તો તેની સાથે સાથે કેન્ડી સ્ટીક પર કલર કરીને ભગવાનના આંખ, દાંત બનાવાયા હતા. આ સિવાય ક્રાફ્ટની અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને ભગવાનના આભૂષણો પણ બનાવ્યા હતા .એટલું જ નહીં રંગોળીમાં કષ્ટભંજન દેવના વાઘામાં સફેદ કાપડ, કચ્છી ઘૂંટણના તોરણનો ઉપયોગ કરીને ખેસ પણ બનાવવામાં આવ્યો હતો સાથે જ કષ્ટભંજન દેવનો ફોટો બનાવવા માટે સાડીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.