અમેરિકા જવા નીકળેલા 9 ગુજરાતીઓનો છેલ્લાં 2 મહિનાથી કોઈ પત્તો જ નહીં,ફ્રાંસની જેલમાં બંધ હોવાનો દાવો, એજન્ટની ધરપકડ

વિદેશ જવાની ઘેલછા ધરાવનારા યુવકો વિદેશમાં નોકરી, ડૉલરમાં પગાર, રહેવા-જમવાની અદ્યતન સુવિધા અને મોજ-જલસા મળે એવો કંઈક મત ધરાવતા હોય છે, જો કે દર વખતે હકીકત આવી જ હોય, તે જરૂરી  હોતું નથી.

કેટલાક એજન્ટોએ આપેલી પૈસા કમાવવાની લાલચમાં અનેક યુવાનો ફસાય છે અને  ખુબ જ અત્યાચારનો ભોગ બને છે. તાજેતરમાં અમદાવાદના નરોડાના દંપતી સાથે ખરાબ અનુભવ થયા બાદ આજે ફરી આવો જ બનાવ સામે આવ્યો છે.

આ ગુમ લોકો અંગે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે ગુજરાત હાઇકોર્ટના વકીલ યતિન ઓઝા મારફતે ગ્વાડલુપના એટર્નીનો પણ સંપર્ક કર્યો છે,જે અંગે યતિન ઓઝાએ કહ્યું હતું કે, તમામ નવ લોકો ગ્વાડલુપની જેલમાં બંધ છે અને તેમને ત્યાંથી છોડાવવાના પ્રયાસ ચાલુ છે.

ધવલ પટેલ અને વિજય પટેલ નવ લોકોને લેવા જવાના હતા. સાબરકાંઠા પોલીસે કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે સંકલન કરીને ધવલ અને વિજય સામે લૂકઆઉટ નોટિસ ઈશ્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી.

મુખ્ય એજન્ટ મહેન્દ્ર પટેલ  હજુ ભૂગર્ભમાં છે. પોલીસ પ્રમાણે હાલ આની શોધખોળ ચાલી રહી છે. 75 લાખ રૂપિયામાં વર્ક પરમિટ પર અમેરિકા લઈ જવાની વાતો કરનાર દિવ્યેશ ઉર્ફે જાની મનોજકુમાર પટેલ અને મહેન્દ્ર ઉર્ફે એમડી બળદેવભાઈ પટેલ નામના એજન્ટ સામે વધુ એક ફરિયાદ મહેસાણામાં નોંધાવાઇ હતી. મૂળ ડિંગુચાના અને અમદાવાદના રાણીપમાં રહેતા એમડી પટેલ, મહેસાણાના શૈલેષ પટેલ અને નગલપુરના દિવ્યેશ ઉર્ફે જોની પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે.