જો તમે હજુ સુધી તમારું ઈન્કમટેક્સ રિટર્ન ભર્યું નથી, તો તરત જ ભરો. અત્યાર સુધી ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. જો કે સોશિયલ મીડિયાથી લઈ તમામ જગ્યાએ તેને વધારવાની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ સરકારે તેની છેલ્લી તારીખ વધારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, એટલે કે હવે તમારે કોઈપણ સંજોગોમાં 31 જુલાઈ પહેલા ઇનકમ ટેક્સ ફાઈલ કરવો પડશે.
જો તમે પણ ટેક્સ પેયર છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકારે ટેક્સ રિટર્ન ભરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હકીકતમાં નાણા મંત્રાલયે વધુ લોકોને ટેક્સ બ્રેકેટમાં લાવવા માટે આવકવેરા ફાઇલિંગનો વ્યાપ વધાર્યો છે.
નાણા મંત્રાલયે જારી કર્યા આદેશ
નોંધનીય છે કે થોડા સમય પહેલા નાણા મંત્રાલયે નોટિસ જારી કરીને આ અંગે જાણકારી આપી હતી. આ નોટિફિકેશન મુજબ હવે અલગ-અલગ આવક જૂથ અને આવક ધરાવતા લોકોએ પણ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું રહેશે. નવા નિયમ હેઠળ હવે વધુને વધુ લોકોને ટેક્સના દાયરામાં લાવી શકાશે. આ નવા નિયમો 21 એપ્રિલથી અમલી માનવામાં આવશે.
જાણો શું કહે છે નવા નિયમ
નવા નિયમ મુજબ જો કોઈપણ વ્યવસાયમાં વેચાણ, ટર્નઓવર અથવા આવક 60 લાખથી વધુ છે, તો કારોબારીએ રિટર્ન ફાઇલ કરવું પડશે. જો કોઈ પગારદાર વ્યક્તિની કમાણી વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુ હોય તો પણ તેણે ITR ફાઈલ કરવી પડશે. એક વર્ષમાં TDS અને TCS ની રકમ 25,000 રૂપિયાથી વધુ હોય તો પણ આવકવેરા રિટર્ન ફાઇલ કરવું પડશે. ઉલ્લેખનીય છે કે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના ટેક્સપેયર્સ માટે TDS + TCS ની મર્યાદા 50,000 રૂપિયા રાખવામાં આવી છે.
બેંક ડિપોઝિટ પર પણ લાગશે ITR
નવા નોટિફિકેશન મુજબ જો બેંક સેવિંગ એકાઉન્ટમાં જમા રકમ 1 વર્ષમાં 50 લાખ કે તેથી વધુ છે, તો એવા ડિપોઝિટર્સને પણ પોતાનું ટેક્સ ફાઈલ કરવાનું રહેશે. નવા નિયમો 21 એપ્રિલથી લાગુ ગણવામાં આવશે. સરકારનું માનવું છે કે નવા ફેરફારો સાથે ઇનકમ ટેક્સ ફાઇલિંગનો વ્યાપ વધશે અને વધુને વધુ લોકો ટેક્સના દાયરામાં આવી શકશે.