અમેરિકામાં બરફના વાવાઝોડાએ કેર વર્તાવ્યો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ઠંડી વગેરેને કારણે ૨૮ લોકોના મોત નિપજ્યા છે. બરફના બોમ્બ વાવાઝોડાને કારણે સમગ્ર અમેરિકામાં હાડ થીજવતી ઠંડીએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી સમગ્ર અમેરિકા ઠુંઠવાઇ જવાથી ઠપ થઇ ગયું છે. આશરે ૨૦ લાખથી વધુ લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે. અને હજારો લોકો બીમાર પડી ગયા છે. હજારો લોકો એરપોર્ટ પર પણ ફસાયેલા છે. અનેક લોકો મેડિકલ ટીમની મદદ માગી રહ્યા છે પણ ચારેય બાજુ હાહાકારની સ્થિતિ છે તેથી કોઇ મદદ નથી મળી રહી. વિશ્વમાં અનેક જગ્યાએ બર્ફીલા પવન અને તોફાનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
અમેરિકામાં બરફના ચક્રવાતી તોફાન ‘બોમ્બ’ના કારણે અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે, જ્યારે જાપાનના મોટા ભાગમાં ભારે હિમવર્ષાને કારણે 17 લોકોના મોત થયા છે અને 93 લોકો ઘાયલ થયા છે. અહીં સેંકડો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. બીજી તરફ યુરોપના ઓસ્ટ્રિયામાં હિમસ્ખલનના કારણે 10 લોકો લાપતા છે. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ અનેક વિસ્તારોમાં તાપમાન માઇનસ ૪૮ ડિગ્રીથી પણ નીચે જતુ રહ્યું હતું. ન્યૂયોર્કના ગવર્નર કૈથી હોચુલે કહ્યું હતું કે કુદરતે અમારી ઉપર કેર વર્તાવ્યો છે.
અમેરિકાના વોશિંગ્ટનના સિએટલમાં ૫૦૦ જેટલી ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. અમેરિકાના અન્ય એરપોર્ટ પર પણ અફરાતફરીનો માહોલ છે. કલાકોથી લોકો ફસાયેલા છે. બોમ્બ સ્ટોર્મ અત્યંત ખતરનાક માનવામાં આવે છે. આ બોમ્બ સ્ટોર્મને કારણે જે વિસ્તારમાં તે હોય છે ત્યાં બરફનું વાવાઝોડુ આવે છે. સાથે ભારે પવન પણ ફુંકાય છે, જેને પગલે તાપમાનમાં ગણતરીની મિનિટોમાં જ અત્યંત ઝડપથી ઘટાડો થઇ જાય છે. સામાન્ય રીતે શિયાળામાં આ વાવાઝોડુ આવતું હોય છે. જોકે છેલ્લા ઘણા વર્ષો બાદ આ પ્રકારનું વાવાઝોડુ અમેરિકા પર ત્રાટક્યું છે. અમેરિકન અધિકારીઓ તેને સદીનું સૌથી ખરાબ તોફાન ગણાવી રહ્યા છે. અમેરિકાના ઉત્તરપૂર્વના ભાગોમાં હજુ પણ બરફના તોફાનની સ્થિતિ છે.
છેલ્લા ઘણા દિવસોથી અમેરિકા આનાથી બંધાયેલું છે. લાખો ઘરોમાં વીજળી નથી, હિલચાલ અટકી ગઈ છે અને ચારે બાજુ બરફ છે. બરફને કારણે અનેક હાઇવે જામ થઇ ગયા હોવાથી ૪૮ કલાક સુધી લોકોના વાહનો ફસાયેલા રહ્યા. લોકોના વાહનો પર બરફથી ચાદર પથરાઇ ગઇ છે. જે વિસ્તારોમાં વાહનો ફસાયા છે ત્યાં આસપાસના લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. આ બરફના તોફાનને કારણે સમગ્ર અમેરિકામાં હાલ સ્થિતિ કથળી રહી છે, અર્થતંત્રને પણ ભારે નુકસાન થઇ રહ્યું છે.