વાવાઝોડું દક્ષિણ પ્રશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે નજીક આવી રહ્યુ છે. ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો. ત્યારે દેશનાં પશ્ચિમી રાજ્યો માટે ચિંતાનું કારણ બનેલા બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ કરી દેતા ફરી કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યુ છે.
સૂત્રોએ જણાવ્યું કે હવે ‘બિપરજોય’ પાકિસ્તાનથી જ ખૌની દિશા તરફ ફંટાયું છે.હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. આગામી તારીખ 11થી 14 જૂન સુધી તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે.
દાંડી દરીયાકીનારો
ગુજરાતના દરિયાકાંઠા પર બિપરજોય નામનું વાવાઝોડું ત્રાટકવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં લઈને સહેલાણીઓના જાનમાલને નુકસાન ન થાય તેવા હેતુથી બીચ પર મનાયહુકમ ફરમાવ્યો હોવા છતાં પણ સહેલાણીઓ જાણે વાવાઝોડાને માણવા માટે નવસારીના ઐતિહાસિક દાંડી દરિયાકિનારે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.
બિપરજોય વાવાઝોડાને કારણે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને ગઈકાલે નવસારી જિલ્લા અધિક નિવાસી કલેકટર કેતન જોશી દ્વારા દરિયાના બીચ પર સહેલાણીઓને મનાઈહુકમ ફરમાવ્યો હોવા છતાં પણ સહેલાનીઓ બિનધાસ્તપણે દાંડીના દરિયાકિનારે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા.
ભાવનગર
બિપરજોય વાવાઝોડાન પગલે ભાવનગરમાં આજે ન્યૂનતમ તાપમાન 27.7 ડીગ્રી રહેવા પામ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ 41 ટકા જેટલું રહ્યું હતું અને 30 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો, જ્યારે આજે મહત્તમ તાપમાન 40.1 ડીગ્રી નોંધાયું હતું, આમ, એક અઠવાડિયા બાદ ભાવનગરમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર થયો હતો.
બિપરજોય વાવાઝોડાન પગલે તંત્ર દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી હતી, જેને લઈ માછીમારો દ્વારા પોતાની બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે, આમ, ઘોઘા બંદરે 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે અને પોલીસનો પણ સુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વલસાડનો તિથલ બીચ
વહીવટીતંત્ર દ્વારા વલસાડના તિથલને બીચ સહેલાણી માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તિથલ બીચ પર આવેલી દુકાનો અને સ્ટોલ- સંચાલકોને એનો જરૂરી સામનો કાઢી લેવા માટે સૂચના આપવામાં આવી છે. બીચ પરથી સહેલાણીઓને દૂર કરવામાં આવ્યા છે અને ત્રણ કિલોમીટર લાંબા તિથલ બીચ ઉપર પોલીસ- બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાનાં 28 ગામને એલર્ટ આપવામાં આવ્યું.