અમદાવાદ(Amadavad):અમદાવાદના બ્રીજ પરના અકસ્માતે બધાયને આખોમાં પાણી લાવી દીધા છે,આ અકસ્માતની ઘટનામાં નવ નિર્દોષ લોકોના મોત થયા છે. અકસ્માતની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર ડમ્ફર અને થાર વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન કાળ બનીને એક જેગુઆર કાર ત્યાં આવી પહોંચી હતી. કાર ચાલકે લોકોના ટોળાને અડફેટેમાં લીધું હતું, જેના કારણે નિર્દોષ નવ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માતની ઘટનામાં 8 સહીત મૃતકોમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમારનો પણ સમાવેશ થાય છે. ધર્મેન્દ્રસિંહના પાર્થિવ દેહને તેમના વતન ચુડામાં લઈ જવામાં આવ્યું છે. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું હતું.
મૃત્યુ પામેલા ધર્મેન્દ્રસિંહ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામના રહેવાસી હતો. આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલા બે મિત્રો અરમાન અને અમન સુરેન્દ્રનગરના રહેવાસી અને એક જ પરિવારના છે. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા રોનકભાઈ પણ મૂળ ચુડા તાલુકાના ચાચકા ગામના છે, આ અકસ્માતની ઘટનામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચાર લોકોના મોત થયા છે.
ધર્મેન્દ્રસિંહની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.અંતિમયાત્રામાં પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ આવ્યા હતા. આ ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો હાલમાં તો પોલીસે ઘટનાના મુખ્ય આરોપીના પિતા, ત્રણ યુવતીઓ સહિત છ લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.