અમદાવાદ(Amadavad):બ્રીજ પર થયેલા અકસ્માતે સૌ કોઈ લોકોને ધ્રુજાવી દીધા છે,કેટલાયના ઘરના એકના એક દીકરા તો કોઈના એકના એક કમાનારા ઝૂંટવાઈ ગયા હતા.
નિવેદનમાં તથ્ય પટેલ તથા તેના મિત્રો અકસ્માત પહેલાં અને પછી ક્યાં અને કેવી રીતે ભેગા થયા હતા? અકસ્માત બાદ બધા ભાગીને ક્યાં ગયાં અને પછી કોના ઘરે રાત વિતાવી? તથ્યનો મિત્ર શાન સાગર કેમ મિત્રને ભેટીને રડી પડ્યો? તથ્યએ 2022માં રાંચરડામાં કરેલા અકસ્માત આ તમામ બાબતોનો ખુલાસો થયો છે.
તથ્ય પટેલના મિત્ર એવા શાશ્વત પટેલે પોલીસ સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, 19 જુલાઇની રાત્રે સાડા બાર વાગે હું તથા મારા મિત્રોએ મારા ઘરે સ્વિગીમાંથી જમવાનું મગાવ્યું હતું. આ દરમિયાન આશરે એક વાગ્યે તથ્યના મોબાઈલ નંબર પરથી મારા નંબર પર ફોન આવતા મેં ફોન ઉઠાવ્યો તો સામેથી શાન સાગર વાત કરતો હતો અને તેણે ગભરાયેલી હાલતમાં મને કહ્યું કે તથ્યએ ઇસ્કોન બ્રિજ ઉપર એક્સિડેન્ટમાં પાંચ જણાંને ઉડાવ્યા છે તો તું જલદી આવી જા. તેમ કહીને શાન રડવા લાગ્યો હતો.
મેં તેને ત્યાં ઊભા રહેવા કહ્યું હતું. આ બનાવ બન્યો તેના બે કલાક પહેલાં મારી અને શાન વચ્ચે વાત થઈ હતી. ત્યારે શાને મને કહ્યું હતું કે હું , તથ્ય, આર્યન, શ્રેયા, ધ્વનિ, માલવિકા આ બધાં વીન્સ કાફેની બાજુમાં આવેલા ગુડ પ્લેસ કાફેમાં બેઠા છે. જેથી કદાચ બધા લોકો ગાડીમાં સાથે જ હતાં. આ રીતે અકસ્માતનો ફોન આવ્યા બાદ મિત્રો સાથે ઘરેથી ઇસ્કોન જવા નીકળ્યા હતા, તે વખતે મારા ગ્રૂપનો ઉત્સવ પણ ત્યાં આવ્યો હતો તેણે વાત કરતાં અમે બધા મારી મારુતિ બ્રેઝા લઈને ઘરેથી નીકળ્યા હતા.
અમે ગાડી સર્વિસ રોડ ઉપર મૂકીને ત્યાંથી દોડતાં દોડતાં બ્રિજ ઉપર ગયા તો તથ્યની 0093 નંબરવાળી જેગુઆર પડી હતી. જ્યારે ગાડીના કાચ આગળ એક બોડી પડી હતી, જેથી મને લાગ્યું હતું કે આ તથ્યની બોડી છે. પરંતુ તે બોડી તથ્યની નહોતી. તેમજ જેગુઆરની નજીકમાં બીજી એક લાશ પડી હતી. આ બધું જોઈને મને ગભરામણ થવા માંડી હતી. જો કે ત્યાં તથ્ય કે બીજું કોઈ મળ્યું નહોતું . જેથી મેં તથ્યના નંબર પર ફોન કરતાં શાને ફોન ઉપાડ્યો અને તે ક્યાં છે તે પૂછતાં તે ઇસ્કોન મોલ પાસે વેસ્ટ સાઈડ આગળ ઊભો છે તેમ કહ્યું હતું .
હું વેસ્ટ સાઈડ પાસે પહોંચ્યો તો ત્યાં શાન અને આર્યન ઊભા હતા, હું ત્યાં ગયો તો શાન મને ભેટીને રડવા લાગ્યો હતો. જેથી મેં તેને શાંત પાડ્યો હતો. તેમજ આર્યનને હાથમાં વાગ્યું હોવાથી તેણે મને કહ્યું કે હાથ દુ:ખે છે. અમે શાનને શાંત કરતાં હતા તે દરમિયાન આર્યન ક્યાંક જતો રહ્યો હતો.