અમદાવાદ(Amadavad):સાળંગપુર હનુમાનના ભીતસુત્રો ખુબ જ ચર્ચામાં છે,સનાતન ધર્મના લોકો તેનો ખુબ જ વિરોધ કરી રહ્યા છે,મંદિરના ભીત ચિત્રોના વિવાદને લઈને આજે અમદાવાદના સાણંદ હાઇવે પર આવેલા લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના મોટાભાગના સાધુ-સંતો હાજર રહ્યાં છે. હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ-સંતોમાં ખુબ જ રોષ ફેલાયો છે.
સાધુ-સંતોની બેઠકમાં વિવિધ મુદા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ આજે કેટલાંક નિર્ણય લીધા છે. જેમાં સ્વામિનારાયણ મંદિરે જઈશું નહીં, સ્વામિનારાયણ સંતો સાથે સ્ટેજ પર નહીં બેસીએ. આ પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયનો સનાતન સંતોનો બહિષ્કાર કર્યો છે.
ગિરનારના સાધ્વી ગીતા દીદીએ આ સભામાં જણાવ્યું હતું કે, શું આપણે બધા એલફેલ માણસો છીએ. સાધુઓએ બહેન દીકરીઓ અને રાષ્ટ્ર માટે ખુબ જ કામ કર્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, અમારા હનુમાન શક્તિશાળી છે. અમારા સનાતનીઓમાં હનુમાન વસે છે, એટલે લોકો સાળંગપુર આવે છે. અમારા વડીલ સાધુ-સંતો જે નિર્ણય લેશે એ યોગ્ય રહેશે.
5 સપ્ટેમ્બરે લિંબડીમાં સંતોની કોર કમિટીની બેઠક મળશે. જે બેઠકમાં રણનીતિ નક્કી કરાશે. આ બેઠક દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના સંતો જોડાશે.આ સભામાં મોટા મોટા સંતો હાજર રહ્યા હતા.