સુરત (Surat): સુરત શહેરમાં ફરી એકવાર આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે .સુરતના ડિંડોલીમાં પરિણીતાએ આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ડિંડોલી વિસ્તારમાં એક પરિણીતાએ લગ્નના એક મહિનામાં જ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું. પરિણીતાએ આત્મહત્યા કરતા ઘરમા શોકનો માહોલ છવાયો હતો.
મૂળ મહારાષ્ટ્રના ધુલિયા સ્થિત જિમખેડાના વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં મોદી સ્ટ્રીટ ખાતે રહેતા સાગર ઢીવરે હીરા મજૂરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન 1 મહિના પહેલાં 20 વર્ષીય અશ્વિની સાથે લગ્ન થયા હતા. સોમવારે રાતે ઘરના રસોડામાં છતના હૂક સાથે સાડી બાંધી અશ્વિનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. તેણીએ લગ્નના એક જ મહિનામાં આપઘાત કરી લઈ જીવન ટૂંકાવી લેતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.
પતિના તેની જ મામી સાથે સંબંધ હોવાના કારણે પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. એટલું જ નહી પતિએ પત્ની પાસેથી ચાર લાખ રૂપિયાના દહેજની પણ માંગણી કરી હતી. પોલીસે આ મામલે મહિલાના પતિ સહિત તેના સાસરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ડિંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે અંગે તપાસ કરીને પતિ સહિત ચાર સામે સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણા અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.