રાજકોટમાં ફૂટબોલ રમી રહેલા 21 વર્ષના કૉલેજ સ્ટૂડન્ટ હાર્ટ એટેકથી ભેટ્યો મોતને

શહેરમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત થતા ચકચાર મચી છે. બે અલગ અલગ રમતો રમતા યુવાનોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. એક યુવાન ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે તેનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું તો બીજો યુવાન ફૂટબોલ રમી રહ્યો હતો તે દરમિયાન તેનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. નાની ઉંમરે હાર્ટ એટેક આવવાથી ઘણા યુવાનો મોતને ભેટી રહ્યા છે. જે ખૂબ જ ચિંતાજનક છે. રાજકોટમાં ક્રિકેટ રમતા યુવકને માથામાં બોલ વાગ્યા પછી હાર્ટ એટેક આવવાની ઘટના બન્યા પછી વધુ એક ઘટના શહેરમાં બની છે જેમાં ફૂટબોલ રમતા યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ફૂટબોલ રમતી વખતે મોતને ભેટેલો યુવક અન્ય રાજ્યનો છે, જે રાજકોટમાં અભ્યાસ કરતો હતો.

રાજકોટમાં 21 વર્ષના વિવેક કુમાર નામના યુવકનું ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે. ફૂટબોલ રમતી વખતે વધુ શારીરિક કષ્ટ થવાથી યુવકનું મોત થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટની મારવાડી કૉલેજમાં અભ્યાસ કરતા વિવેક કુમારનું ફૂટબોલ રમતી વખતે મોત થયું હતું જે મૂળ ઓડિશાનો છે. હવે વિવેકના મોતને લઈને વધુ તપાસ કરવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. યુવકનું અચાનક મોત થતા કૉલેજમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને ભારે આંચકો લાગ્યો છે. વિવેક કુમાર ફૂટબોલ રમી રહ્યો હતો ત્યારે અચાનક ઢળી પડતા તેની સામે રમી રહેલા ખેલાડીઓને આંચકો લાગ્યો હતો. તમામ ખેલાડીઓ એકઠા થઈ ગયા હતા અને યુવકને બચાવવાની જરુરી કોશિશ થાય તે પહેલા જ તેણે જીવ ગુમાવી દીધો હતો. આ અંગે વિગતે વાત કરીએ તો રેસકોર્સમાં મીત્રો સાથે ક્રિકેટ રમવા આવેલા રવિ વેગડાનું આકસ્મિક મોત થયું. ક્રિકેટ મેચમાં ટેનિસનો દડો વાગ્યો ત્યાર બાદ રનર રાખ્યો અને 22 રન કર્યા.

ત્યાર બાદ હાર્ટ ફેઈલ થતા મોતને ભેટ્યો. રેસકોર્સમાં રમતી વખતે જીંદગીની ઇનિંગ પૂરી થતા પરિવાર અને મીત્રોમાં શોકનો માહોલ છવાયો. જયારે બીજા કિસ્સાની વાત કરીએ તો ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા ઓરિસ્સાના વિવેક કુમાર નામના વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત નિપજ્યું હતું. આ અંગે ડોક્ટરે કહ્યું કે, મારા અભ્યાસકાળમાં શીખવાડવામાં આવતું કે સામાન્ય રીતે માણસને 50 વર્ષની ઉંમર પછી હાર્ટ એટેક આવતો હોય છે. જીવનશૈલીમાં બદલાવ આવવાને લીધે નાની ઉંમરમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. હાર્ટ એટેકના મુખ્ય પરિબળોમાં હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન જવાબદાર છે. યુવાનોમાં તણાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધ્યું છે જે હાર્ટ એટેકના મુખ્ય કારણો છે. નાની ઉંમરે હાર્ટ એટેકથી બચવું હોય તો આહાર, વિહાર અને વિચાર પર ધ્યાન આપવું જોઈએ.