સુરત (Surat ): સુરતમાંથી અવારનવાર અકસ્માત ના બનાવ સામે આવી રહ્યા છે એવામાં એક હદય થંભી જાય તેવી બનાવ સામે આવ્યો છે .. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા 37 વર્ષીય દિનેશભાઈ પુંજુભાઈ પાટીલનું ટેમ્પામાંથી પડી જતા માથાનાં ભાગે ઈજા થતા સારવાર દરમિયાન મોત થયું હતું .
મળતી જાણકારી મુજબ , 28 ઓગસ્ટના રોજ દિનેશભાઈ ગ્રે કાપડ ટેમ્પામાં ભરવાનું કામ કરતા હતા, એ વેળાએ દોરી બાંધતી વેળા દોરી તૂટી જતા ટેમ્પામાંથી પડી જતા માથાનાં ભાગે ઈજા થઈ હતી. જેથી, ડાયમંડ હોસ્પિટલમાં ખસેડાયા હતા. રીપોર્ટમાં બ્રેઈન હેમરેજ હોવાથી દિનેશભાઈનું તત્કાલ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પાંચેક દિવસની સઘન સારવાર બાદ ગત રોજ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
બ્રેઇનડેડ દિનેશભાઇના પરિવારમાં ગાયત્રીબેન દિનેશભાઈ પાટીલ (પત્ની), પુંજુભાઈ દયારામભાઈ પાટીલ (પિતા), નીલાબેન પુંજુભાઈ પાટીલ (માતા) અને અશોકભાઈ પુંજુભાઈ પાટીલ (ભાઈ) છે.બ્રેઈનડેડ જાહેર થતાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ દ્વારા પરિવારનાં સભ્યોને સંપર્ક કરીને અંગદાન અંગેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાનાં દર્દીઓને નવજીવન મળે છે. દિનેશ પાટીલના સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ સંમતિ આપી હતી.મૃતક યુવકના હ્રદય, નાનું આંતરડું, લીવર, બંને કીડની અને બંને ચક્ષુઓના દાને સાત લોકોને નવજીવન બક્ષ્યું હતું ..