સુરતમાં સિટી બસે ડિપ્લોમા એન્જિનિયરના વિદ્યાર્થીને કચડતાં ઘટનાસ્થળે જ મોત,કેનેડા અભ્યાસ કરવા જવાનું સપનું રહ્યું અધૂરું ..

સુરત (Surat ): સુરતમાં સતત સિટી અને બીઆરટીએસના અકસ્માતોના કારણે વિવાદમાં  રહે છે .એવામાં  ગત રોજ જ એક વિદ્યાર્થીને સિટી બસે અડફેટે લઈ ઇજાગ્રસ્ત કર્યો હતો. ત્યારે હવે પાલ-ઉમરા બ્રિજ પર બાઇક લઈને જતા 21 વર્ષીય ડિપ્લોમા એન્જિનિયરના વિદ્યાર્થી જશ દેવગાણિયાને બસે કચડી નાખ્યો હતો, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી જાણકારી મુજબ ,અડાજણ વિસ્તારમાં આવેલા ક્રોમાં મોલની પાછળ શાંતનુઝ બંગલોમાં જશ પરિવાર સાથે રહેતો હતો. પિતા કન્સ્ટ્રક્શન લાઈનના વેપાર સાથે સંકળાયેલા છે.  બે ભાઈમાં જશ નાનો દીકરો હતો.મૃતક યુવક ઓટોમોબાઇલમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ હવે કેનેડા અભ્યાસ કરવા જવા માટેની તૈયારી કરી રહ્યો હતો.

બસે કચડતાં યુવકના શરીરમાંથી માંસના લોચા બહાર નીકળી ગયા હતા,અકસ્માત થતાં જ સિટી બસનો ડ્રાઈવર ભાગી ગયો હતો.યુવકને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો આથી ત્યાં હાજર લોકોમાં અરેરાટી મચી ગઈ હતી.જોકે ઘટનાની જાણ થતાં જ પાલ પોલીસના કાફલાએ હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો સિટી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.