સુરતના પુણા વિસ્તારમાં તીક્ષણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા,દારૂના અડ્ડા પર થયો હતો ઝગડો.

સુરત(surat):સુરત શહેરના પુણા વિસ્તારમાં મોડી રાત્રે અર્ચના સ્કૂલ પાસેના રોડ પર ક્રિષ્ના સર્કલ પાસે માથાભારે તત્વો વચ્ચે ઝઘડો થયા બાદ ટોળકીએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો. આ યુવક પર તીક્ષણ હથિયારો વડે હુમલો ફરી એ લોકો ફરાર થઈ ગયા હતા. જો કે, CCTVમાં ઈસમો અને ઇજાગ્રસ્ત યુવક બંને કેદ થઈ ગયા હતા.

 વરાછાના એલએચ રોડ પર ગાયત્રી સોસાયટીની બાજુમાં રામકૃપા સોસાયટીમાં રહેતા 30 વર્ષીય વિજય મેહુલભાઈ લુણીની પુના  વિસ્તારમાં હત્યા કરી દેવામાં આવી હતી. કેટલાક માથાભારે તત્વો સાથે ઝઘડો થતા વિજય લુણીને ત્રણથી ચાર જેટલા ઈસમોએ ઢોર માર મારી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, અને લોહીલુહાણ કરી ઇજાગ્રસ્ત કરી દીધો હતો.

આ યુવકને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સ્થાનિકો દ્વારા 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો,જ્યાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મરનાર વિજય લુણી અને તેનો મિત્ર કૈલાશ  પર્વત પાટિયાથી અર્ચના સ્કૂલ તરફ જતા રોડ પર ક્રિષ્ના સર્કલ પાસે આવેલા પાનના ગલ્લા પાસે ઊભા હતા. આ સમયે માથાભારે છાપ ધરાવનાર દુર્ગેશ અને તેના ત્રણ મિત્રો તેની પાસે આવ્યા હતા અને દુર્ગેશે તેના મિત્રો  સાથે વિજયને લાકડાના ફટકા વડે ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત દુર્ગેશ અને તેના સાગરિતોએ તેમની પાસે રહેલ ચપ્પુ કાઢીને વિજય પર હુમલો કરી દીધો અને ઉપરાછાપરી ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા

વિજય હનીટ્રેપનો આરોપી રહી ચૂક્યો છે જ્યારે હુમલાખોર દુર્ગેશ પણ સ્થાનિક વિસ્તારમાં માથાભારે તરીકે છાપ ધરાવે છે અને તેની ઉપર પણ અનેક પ્રકારની અલગ અલગ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે.