અમદાવાદમાં SKGમાં અભ્યાસ કરતા સાડા પાંચ વર્ષના બાળકને શિક્ષકે લાકડીથી ઢોરની જેમ ફટકારતાં પગ સોજી ગયા..

અમદાવાદ (Amdavad ):અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી શક્તિ સ્કૂલમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષિકા દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની છે.મળતી માહિતી મુજબ ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા ભાઈલાલભાઈ મકવાણાના સાડા પાંચ વર્ષનો પુત્ર ચાંદલોડિયા બ્રિજ પાસે આવેલી શક્તિ સ્કૂલમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે.

ગઈકાલે શુક્રવારે તેમનું બાળક સ્કૂલે ગયું હતું. ત્યારે બાળકને વાંચતા-લખતા આવડતું નથી તેમ કહી શિક્ષીકાએ લાકડી વડે માર માર્યો હતો. માર મારવાના કારણે પગ સોજી ગયા હતા. વાલીએ આ મામલે શિક્ષક સામે કડક કાર્યવાહી થાય તેના માટે થઈ પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવી હતી. સ્કૂલના સીસીટીવી ફૂટેજ જોતા તેમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેથી સ્કૂલના શિક્ષીકાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી સ્કુલ દ્વારા  કરવામાં આવી છે.

વધુમાં વાલીએ  જણાવ્યું હતું કે, આજે સ્કૂલમાં જઈ અને ટ્રસ્ટી તેમજ પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી. તેઓએ અમને કેમેરા બતાવ્યા હતા, જેમાં આ ઘટના બની હતી. તેઓ ખુદ આ ગંભીર ઘટનાથી નારાજ થયા હતા. તેઓએ સ્કૂલના શિક્ષીકાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી ભવિષ્યમાં ફરી ક્યારેય આવી ઘટના નહીં બને તે બાહેધરી પણ અમને આપી  હતી ..