સુરતમાં ધોળા દિવસે શેરબજારના વેપારીનું અપહરણ, મોટા વરાછામાં 3 શખસે મોઢું દબાવી બળજબરીથી કારમાં બેસાડી ફરાર થયા.

સુરત(Surat): મળતા અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે મોટા વરાછા વિસ્તારમાં અમદાવાદના સ્ટોક માર્કેટના વેપારી શક્તિ ધડુક સુરત શહેરમાં આવ્યા હતા. તેઓ છેલ્લા 15 દિવસથી સુરતની એક હોટલમાં રોકાયા હતા. ગઈકાલે તેમનું અપહરણ થઈ ગયું હોવાની ઘટના બની હતી.

જેના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જોવા મળે છે કે 3 શખસ બળજબરીથી તેને કારમાં બેસાડવા પ્રયાસ કરે છે, જેમાં એક શખસે વેપારીનું મોઢું દબાવતો જોવા મળે છે, જ્યારે બે શખસને તેને કારમાં ધકેલતા જોવા મળે છે.અંતે, વેપારીને કારમાં બેસાડીને ફરાર થઈ જાય છે.

CCTVમાં જોવા મળે છે કે રસ્તાના કોર્નર પર એક કાર પાસે વેપારી અને અપહરણકારો ઊભા છે. બાદમાં તેઓ વચ્ચે બોલાચાલી થાય છે. વેપારી તેની ચુંગાલમાંથી છૂટવા માટે ઘણા ધમપછાડા કરે છે, પરંતુ અપહરણકારો તેને બળજબરીથી કારમાં બેસાડી લઈ જાય છે. ઘટનાને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા.શક્તિ ધડુક અમદાવાદમાં સ્ટોક માર્કેટની ઓફિસ ધરાવે છે. અમદાવાદથી સુરત આવી જતાં તેના લેણદારો તેની પાસે ઉઘરાણી કરી રહ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અઢી કરોડ રૂપિયાની લેતીદેતીમાં અપહરણ થવાની વાત સામે આવી રહી છે.  અપહરણકારો સુરતના મોટા વરાછા વિસ્તારમાં હોવાનું જણાઈ આવતાં ત્રણની ધરપકડ કરી છે.