વિદ્યાર્થીએ પ્રેમ-પ્રકરણમાં એલ.ડી. કોલેજ હોસ્ટેલમાં ગળાફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

રાજ્યમાં વિવિધ કારણોસર આત્મહત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કરવાના બનાવો વધી રહ્યાં છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પ્રેમમાં નિષ્ફળ થતાં જીવન ટુંકાવી રહ્યાં હોવાની વિગતો સામે આવતી હોય છે. આજે ગુજરાત યુનિવર્સિટીની એલડી એન્જિનિયરિંગ કોલેજના એક વિદ્યાર્થીએ કોલેજની હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને લઈને પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

એલડી એન્જીનયરીંગની હોસ્ટેલના B બ્લોકમાં ત્રીજા માળે 238 નંબરના રૂમમાં રહેતા દિવ્યેશ ઘોઘારી નામના સગીર વયના વિદ્યાર્થીએ બપોરના સમયે કપડાં સુકાવવાની દોરી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતક સગીરનો રૂમમેટ આવ્યો ત્યારે દરવાજો બંધ હોવાથી બારી ખોલીને જોતા મૃતક સગીરનો મૃતદેહ દેખાઈ રહ્યો હતો, જેથી સિક્યુરિટી ગાર્ડને જાણ કરી અને સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ગુજરાત યુનિવર્સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સગીરના મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે.

સગીર મૂળ સુરતનો રહેવાસી છે. જેથી સોમવારે જ સુરતથી આવ્યો હતો. સુરતમાં સગીરને પ્રેમ પ્રકરણ બાબતે એક સગીરા સાથે બોલાચાલી થઈ હતી જે બાબતે લાગી આવતા આજે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે રૂમ પાર્ટનરનું નિવેદન લઈ વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારને પણ આપઘાત અંગે પૂછવામાં આવશે. હાલ તો સગીરની આત્મહત્યાની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનુ સામે આવ્યુ છે.

ગુજરાત યુનિવર્સિટીની એલડી એન્જિનિયરિંગ કોલેજના 17 વર્ષિય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના વિ જે જાડેજાએ જણાવ્યું છે કે, મુળ સુરતનો આ વિદ્યાર્થી એલ ડી એન્જિનિયરિંગની હોસ્ટેલના બી બ્લોકમાં રહે છે. તેના હાથે બ્લેડ મારેલાના નિશાન મળેલા છે. તેની પાસેથી હાલ તો કોઈ સુસાઈડ નોટ કે અન્ય કોઈ વસ્તુ મળી નથી