સુરત:યુવકે માત્ર 8મુ ભણતી કિશોરીને ફોસલાવીને મળવા બોલાવી અંગત પળના ફોટા પાડ્યા, પછી બ્લેકમેઇલ કરી હજારો રૂપિયા પડાવ્યા

સુરત(surat):શહેરમાં માતા-પિતા માટે  ખુબ જ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક કિશોરીને ઇન્સ્ટાગ્રામમાં થયેલી મૈત્રીના કારણે  ખુબ જ બ્લેકમેઈલ કરવામાં આવતી હતી અને તેને કારણે ઘરમાંથી ચોરી કરી રૂપિયા આપવા પડ્યા હોવાનો ખુલાસો થયો હતો.

સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા અને પ્લામ્બિંગનું કામ કરતાં પિતા ત્રણ બાળકો અને પત્ની સાથે રહે છે. તેમની મોટી દિકરી ધોરણ 8માં અભ્યાસ કરે છે. સગીરા છેલ્લા ઘણાય સમયથી તેના માતાના ફોનમાંથી ઈન્સ્ટાગ્રામ વાપરતી હતી. આ દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર સગીરાનો સંપર્ક એક અજાણ્યા યુવક સાથે થયો હતો. ત્યાર બાદ તેમના વચ્ચે મિત્રતા થતાં વાતચીત શરૂ થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થતાં યુવકે વાતચીત દરમિયાન સગીરાને મળવા આવવા માટે એક જગ્યાએ બોલાવી હતી.

બંને મળ્યા ત્યારે સ્વાભાવિક બંને વચ્ચે એક ચુંબન કરવામાં આવ્યું હતું. ચુંબન કરતા સમયે યુવક દ્વારા કિશોરીનો ફોટો પાડી લેવામાં આવ્યો હતો. આ ફોટો બતાવીને યુવક દ્વારા યુવતીનું વારંવાર બ્લેક મેઈલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

યુવક સગીરાને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને પૈસાની માગણી કરતો હતો. ફોટો વાયરલ થાય અને સમાજમાં આબરૂ જાય તે કારણે સગીરા ડરી ગઈ હતી. સગીરાએ બદનામીના ડરથી પ્રથમ વાર રૂ.3500 યુવકને આપ્યા હતા. જોકે સગીરા ડરી ગઈ હોવાનું યુવકને જાણવા મળતાં ત્યાર બાદ પણ બ્લેકમેઈલ કરીને પૈસાની માગણી ચાલુ રાખી હતી.

યુવક દ્વારા સતત પૈસાની માગણી કરવામાં આવતા  સગીરાએ ઘરમાંથી ચોરી કરીને ટુકડે ટુકડે રૂ.50 હજાર યુવકને આપ્યા હતા. તેમ છતાં યુવક રૂ.10 હજારની માગણી કરવા તેના અન્ય બે મિત્રોને લઈને સગીરાના ઘરે પહોંચ્યો હતો.

આ દરમિયાન સગીરાની માતાને ખબર પડતાં યુવકને ઘરની બહાર કાઢી મુક્યો હતો. યુવક સગીરા અને તેની માતાને ગાળો ભાંડીને ત્યાંથી જતો રહ્યો હતો. તેની દસ મિનિટ બાદ યુવક તેના ભાઈને લઈને આવ્યો હતો અને  સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. જે મામલે સગીરાની માતાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં યુવક વિકાસ અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.