ભાવનગર(bhavanagar):દિવસે ને દિવસે મોંઘવારી વધવાને લીધે ચોરીના બનાવ વધતા જાય છે,ભાવનગરમાં ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે.ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડીગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
ઘરમાંથી દાગીના રોકડ રકમ મળી કુલ રૂ.5.55.700 નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.વલ્લભીપુર તાલુકાના ચમારડીગામે રહેતા અને ખાનગી ફેક્ટરીમાં નોકરી કરતા હરદિપસિંહ તનુભા ગોહિલ ઉ.વ.65 એ તાજેતરમાં ભાવનગર શહેરમાં નવા મકાનની ખરીદી કરી હતી.
આ મકાનના દસ્તાવેજ બનાવવા માટે ગતરોજ તેની પત્ની સાથે ચમારડીગામે પોતાના મકાનને તાળાં મારી ભાવનગર આવ્યાં હતાં.કામ પતાવી પરત ચમારડી ગામે પોતાના ઘરે પહોંચતા મકાનના તાળા તૂટેલી હાલતમાં અને ઘરના રૂમમાં સરસામાન વેરવિખેર હાલતમાં જણાતા વૃદ્ધે તપાસ કરી હતી.
ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ ઘરના દરવાજાના તાળા તોડી રૂમમાં રાખેલ કબાટનું લોકર તોડી સોના-ચાંદીના આભૂષણો તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ.5,55,700 નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.