અંકલેશ્વર વાલિયા સ્ટેટ હાઇવે બિસ્માર બનતા કોંઢ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ અને ઝઘડિયા વિધાનસભાના આગેવાનો અને કાર્યકરોએ અંકલેશ્વર- વાલિયા સ્ટેટ હાઇવે બિસ્માર બનતા કોંઢ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.

વાલિયા પોલીસે 14 કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

ભરુચ જિલ્લા યુથ કોંગ્રેસ અને ઝઘડીયા વિધાનસભાના આગેવાનો અને કાર્યકરોએ બિસ્માર માર્ગોના કારણે કોંઢ ગામે બસ સ્ટેન્ડ નજીક ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. અંક્લેશ્વરથી વાલીયા, નેત્રંગ જવાનો માર્ગ વરસાદના કારણે બિસ્માર બનતાં વાહન ચાલકોને ભારે હાલાકી સાથે આર્થિક નુક્શાની વેઠવાનો વારો આવ્યો છે.

હમણાં ચાર મહિના પર બનેલો વાલીયાથી સીલુડી, વાલીયાથી ડહેલી,વાડી ગામ તરફના તમામ રસ્તાઓ ભ્રષ્ટાચારના લીધે ટુટી ગયાં હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયા હતા.

જેના વિરોધમાં ગઈ કાલે યુથ કોંગ્રેસ દ્વારા ભરૂચ આરએનબી કચેરીએ વિરોધ નોંધાવીને કચેરીને તાળા બંધીનો કાર્યક્રમ આપ્યો હતો.

​​​​​​​અંકલેશ્વર-વાલીયાનો માર્ગ અત્યંત બિસ્માર બનતા કોંગી આગેવાનો અને કાર્યકરોએ કોંઢ પાસે વિરોધ નોંધાવ્યો હતો.તે સમય વાલીયા પોલીસના કાફલાએ સ્થળ ઉપર પહોંચી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવા જતાં સ્થળ ઉપર ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતાં. જોકે વાલીયા પોલીસે ચકાકજામમાં સંદીપ માંગરોલા, શકીલ અકુજી, શેરખાન પઠાણ, વિજય વસાવા, ફતેસિંહ વસાવા સહિતના 14 જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.