જુનાગઢમાં આવેલા લંબે હનુમાનજીના મંદિરે હનુમાનજીની પ્રતિમા દર વર્ષે એક ચોખાનાં દાણા જેટલી વધે છે એવી છે માન્યતા…

જુનાગઢ (Junagdh ):જૂનાગઢનાં ભવનાથમાં એક હજાર વર્ષથી પણ જૂનું મંદિર લંબે હનુમાનજીનું મંદિર આવેલુ છે. આ મંદિર પણ પોતાના એક અલગ ઇતિહાસથી પ્રચલિત છે. આ લંબે હનુમાન મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે.આ મંદિરનો કાર્યભાર સંભાળતા મહંત અર્જુનદાસ ખાખીએ જણાવ્યું હતું કે, આ મંદિર આશરે એક હજાર વર્ષથી વધુ જૂનું છે. હું પણ ફક્ત અનુમાનને આધારે જ આ મંદિરના વર્ષો કહી શકું છું.

આ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા દર વર્ષે એક ચોખાનાં દાણા જેટલી વધી રહી હોવાની માન્યતા છે.અહીં એક નિ:સંતાન દંપતીએ સંતાન માટે માનતા રાખી હતી અને તેમને સંતાન પ્રાપ્તિ થતાં તેમણે આ મંદિરમાં હનુમાન દાદાને આભૂષણ ભેટ કર્યા છે. દર વર્ષે હનુમાન જયંતીના સમયે આ આભૂષણથી હનુમાન દાદાને શણગાર કરવામાં આવે છે.

આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. અહી આવતા ભક્તોમાં ફક્ત જૂનાગઢના જ નહિ પણ સમગ્ર રાજ્ય અને દેશમાંથી પણ ભક્તો મંદિરની અવશ્ય મુલાકાત લે છે. અનેક લોકો અહી પોતાની ભગવાન પાસે માંગણી લઈને પહોંચે છે અને હનુમાનદાદા સૌ કોઈની ઈચ્છા પૂરી કરતા હોવાની માન્યતા છે.