શ્રીલંકાની રાહ પર બાંગ્લાદેશ : ચીન પર બાંગ્લાદેશની નિર્ભરતા વધી રહી છે?

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ રવિવારે ઢાકાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમિન સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન મોમિને રોહિંગ્યા શરણાર્થીઓને પરત મોકલવા માટે ચીનની મદદ માંગી હતી. બાંગ્લાદેશના અનુરોધ પર ચીન રોહિંગ્યા શરણાર્થીઓને મ્યાનમાર પરત ફરવામાં મદદ કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત, તે બાંગ્લાદેશમાં ઉત્પાદિત લગભગ 99 ટકા માલની ડ્યૂટી ફ્રી આયાતની સુવિધા આપવા માટે પણ સંમત થયા છે. નિરીક્ષકોના મતે ચીન તરફથી મળતી આ રાહતો તેના પર બાંગ્લાદેશની નિર્ભરતા વધારશે. બીજી તરફ બાંગ્લાદેશમાં ચીનનો પ્રભાવ વધવાની ધારણા છે.

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ રવિવારે ઢાકાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમિન સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન મોમિને રોહિંગ્યા શરણાર્થીઓને પરત મોકલવા માટે ચીનની મદદ માંગી હતી. મ્યાનમાર પર ચીનનો નોંધપાત્ર પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. જેથી ચીન શરણાર્થીઓના વાપસીમાં મદદરૂપ થઈ શકે છે. 2017થી 10 લાખથી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ બાંગ્લાદેશમાં રહે છે. રોહિંગ્યા એ મુસ્લિમો છે જેમને મ્યાનમારમાં સૈન્ય અને બૌદ્ધ સમુદાય દ્વારા કથિત દમનને કારણે દેશ છોડવો પડ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર, ચીન પહેલાથી જ રોહિંગ્યા મુસ્લિમોની વાપસીની તૈયારી કરી રહ્યું છે. મ્યાનમારના રખાઈન પ્રાંતમાં તેણે આ માટે લગભગ ત્રણ હજાર ઘર બનાવ્યા છે. વાંગે મોમિનને ખાતરી આપી હતી કે ચીન રોહિંગ્યા શરણાર્થીઓ માટે તેમના પરત ફર્યા બાદ શરૂઆતના દિવસોમાં ભોજનની વ્યવસ્થા કરશે. ચીનમાં બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાજદૂત અને હવે રાજદ્વારી વિશ્લેષક મુનશી ફૈઝ અહેમદના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ રોહિંગ્યા સમસ્યાના ઉકેલ માટે ચીન પર નિર્ભર છે.

નવેમ્બર 2017માં બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચે ચીનની મધ્યસ્થીથી શરણાર્થીઓની વાપસી અંગે સમજૂતી થઈ હતી. તે પછી 2019માં, આ હેતુ માટે ફરીથી પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ રોહિંગ્યા શરણાર્થીઓની પરત ફરવાની અનિચ્છાને કારણે આ કામ બંને પ્રસંગે થઈ શક્યું નથી. ત્યારે શરણાર્થીઓને ડર હતો કે જ્યારે તેઓ પાછા ફરશે ત્યારે તેમના પર ફરીથી હુમલો કરવામાં આવશે. મ્યાનમારમાં ગયા વર્ષે લશ્કરી બળવાએ આ કામમાં નવી સમસ્યાઓ ઊભી કરી હતી.

વાંગની મુલાકાત પહેલા બાંગ્લાદેશે ‘વન ચાઇના પોલિસી’નું સમર્થન કરતું નિવેદન બહાર પાડ્યું હતું. તાઈવાનને લઈને તાજેતરના વિવાદ વચ્ચે આ ખુલ્લેઆમ ચીનને સમર્થન આપી રહ્યું છે. બાંગ્લાદેશી અખબારોમાં છપાયેલા સમાચાર મુજબ, વાંગે બાંગ્લાદેશના આ સ્ટેન્ડની પ્રશંસા કરી. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. વિશ્લેષકોએ એવો મત વ્યક્ત કર્યો છે કે વાંગની આ મુલાકાતથી બાંગ્લાદેશ પર ચીનનો પ્રભાવ વધશે.