CM પટેલે ફ્લાવર શોનું કર્યું ઉદ્ઘાટન, તમામ વિગતો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘ફ્લાવર શો – 2023’ નું ઉદ્ઘાટન કર્યું છે. ફ્લાવર શોના ઉદ્ધાટન બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચન કર્યું અને કહ્યું કે ફ્લાવર શો એક કલાક પેહલા શરૂ કરવામાં આવે. ટિકિટનો દર 30 ની જગ્યાએ 20 રૂપિયા કરવા પણ સૂચન કર્યું છે.

આ વર્ષે અહીં G20 સમિટની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે સીએમની તમામ સૂચનાનું પાલન કરાશે. સીએમના સૂચન બાદ ટિકિટના દર 20 રૂપિયા કરી દેવામાં આવ્યાં છે. ચાલુ વર્ષે પણ કોરોનાના કેસો જે રીતે ચીન, અમેરિકા સહિતના દેશોમાં વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલા આ આયોજન દરમિયાન ભરવામાં આવ્યા છે. જેમાં કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે. મહત્વનું છે કે આ વર્ષે G20 સમિટની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને 31 ડીસેમ્બર, 2022 થી 12 જાન્યુઆરી 2023 દરમિયાન સાબરમતી રીવર ફ્રન્ટ, ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડન ખાતે ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શો દરમિયાન આવનાર વ્યક્તિ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.

ફ્લાવર શોના મુખ્ય આકર્ષણો પર નજર કરીએ તો અહીં મહેંદીના છોડમાંથી ઓલિમ્પિકને લગતી અલગ-અલગ રમતોના સ્કલ્પચર ઉભા કરવામાં આવ્યા છે. ભારતમાં આગામી મહત્વની G20 સમિટ યોજાવાની છે તેને ધ્યાનમાં રાખીને અહીં કેટલાક આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે.ભારતમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના કારણે તે થીમ પર પણ અહીં વિવિધ સ્કલ્પચર ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે અહીં સેલ્ફી પોઈન્ટ પણ ઉભો કરવામાં આવ્યો છે.

જેમાં 200 ફૂટની વિશાળ ગ્રીન વૉલ ઉભી કરવામાં આવી છે. ફ્લાવર શોમાં ઉભા કરવામાં આવેલા ખાસ આકર્ષણોની વાત કરીએ તો ઓલમ્પિકને લગતી જુદી જુદી રમતોના સ્કલ્પચર, G-20 થીમ આધારીત સ્કલ્પચર અને મેસેજ આપતા લખાણો, આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારીત સ્કલ્પચર, 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે ફુલોમાંથી બનાવેલ આકર્ષક પ્રવેશ દ્વાર તથા સ્કાય ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યુ છે. અમદાવાદમાં બે વર્ષ પછી યોજાઈ રહેલા ફ્લાવર શોમાં ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ, ફલાવર ટ્રી તથા જુદા જુદા રંગના ફૂલોના સ્કલ્પચર પણ ઉભા કરવામાં આવ્યા છે. અહીં ફૂલોથી તૈયાર કરવામાં આવેલો આકર્ષક પ્રવેશ દ્વાર તથા સ્કાય ગાર્ડન પણ જોવા મળશે.