સુરતમાં રખડતા ઢોર બાદ શ્વાનોનો આતંકઃ કુતરાએ બે વર્ષની બાળાને ઉતારી મોતને ઘાટ શરીરના અલગ અલગ ભાગે 30થી 40 ભર્યા બચકા

સુરતના ખજોદ વિસ્તારમાં રહેતી બે વર્ષની બાળકીને ત્રણ જેટલા શ્વાન દ્વારા 40 જેટલાં બચકાં ભરવાથી બાળકીનું મોત નીપજ્યું છે. શ્વાનના હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેની સારવાર ચાલી રહી હતી પરંતુ તેનો જીવ બચાવી શકાયો નથી. 19મી ફેબ્રુઆરીએ બાળકી રમી રહી હતી ત્યારે તેના પર શ્વાનોએ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં તે ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ખજોદના ડાયમંડ બુર્શમાં બાળકીને શ્વાનોએ માથા તથા ફેંફસાના ભાગે બચકાં ભરી લેતા તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

સુરતમાં એક જ મહિનામાં શ્વાન દ્વારા હુમલો કરવાની ચાર ઘટનાઓ બની છે. શ્વાનના હુમલા બાદ સારવાર દરમિયાન મોતને ભેટેલી બાળકી મૂળ પશ્ચિમ બંગાળના પરિવારની હતી જે ખુલ્લામાં રમી રહી હતી ત્યારે શ્વાન કરડવાની ઘટના બની હતી. સુરતમાં વધતા શ્વાનની સંખ્યાને રોકવા માટે ઘણાં પ્રયાસો કરવામાં આવ્યા છે આમ છતાં કઈ રીતે તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. બાળકો ઘરની બહાર ના રમતા હોય ત્યારે હવે બાળકોને શ્વાન નિશાને લેશે તેવી ચિંતા થઈ રહી છે. સુરતના મેયર હેમાલી બોઘાવાલા દ્વારા બે દિવસ પહેલા આરોગ્ય વિભાગ અને શ્વાન પકડવાનું કામ કરતી ટીમો સાથે બેઠક યોજવામાં આવી હતી. જોકે, આજે બનેલી ઘટનાએ ફરી શહેરીજનોમાં ડરનો માહોલ ઉભો કરી દીધો છે. મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે, “બાળકીને સારામાં સારી સારવાર મળે તે અંગેના આદેશ આપી દેવામાં આવ્યા હતા. તેમણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત ક્યું છે.

પરંતુ આ પછી તેમને પૂછવામાં આવેલા આકરા સવાલોથી તેઓ બચતા નજરે પડ્યા હતા. સુરતના સંવાદદાતા કિર્તેશ પટેલે તેમને સવાલ કર્યો કે, કમિશન હોય કે અધિકારી તમને ગાંઠતા નથી, બે મહિનામાં ચોથી ઘટના છે, તમે બે દિવસ પહેલા બેઠક પણ કરી હતી, પરંતુ કામગીરીના નામે ઝીરો હોય એવું તમને નથી લાગતું? જેના જવાબમાં મેયરે કહ્યું કે, સુરત કોર્પોરેશનની ટીમ, કમિશન બધા ભેગા મળીને કામ કરે છે, ડૉગ બાઈટની ઘટના ખુબજ આઘાત જનક ઘટના છે, સમગ્ર ટીમ એક દિશામાં નિવારણ માટે કામગીરી કરી રહી છે.