સુરત (Surat):સુરત શહેરમાં અવારનવાર અકસ્માત ના બનાવ બને છે. શહેરમાં બસ અને ડમ્પરની અડફેટે રાહદારીઓ અને વાહનચાલકો ઈજાગ્રસ્ત થતા હોવાનું તેમજ અકસ્માતમાં મોત નીપજતું હોવાનું સમયાંતરે નોંધાય છે. જેમાં હવે વધુ એક કિસ્સો ઉમેરાયો છે.
અમરોલી વિસ્તારમાં પાલિકાની કચરાની ગાડી દ્વારા દોઢ વર્ષના બાળક પવન અને સાત વર્ષની બાળકી લક્ષ્મીને અડફેટે લેવામાં આવી હતી.જેમાં બાળકનું મોત નીપજ્યું હોવાનું અને અન્ય સાત વર્ષની બાળકી ઈજાગસ્ત થઈ હતી. અકસ્માત બાદ ટેમ્પોચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો હતો
મળતી જાણકારી મુજબ ગત રોજ રાત્રે કચરાની ગાડીએ એમના બંને બાળકોને અડફેટે લીધા હતા. જેમાં દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળકીને પગના ભાગે ઈજા થઈ હતી. મધ્યપ્રદેશના નિવાસી દિનેશભાઈ કટારા અમરોલી વિસ્તારમાં ગટરલાઈન નાંખવાનું કામ કરે છે અને મારુતિગામ પાસે પત્ની અને બે બાળકો સાથે રહે છે.ટેમ્પોચાલકે આ બન્ને ભાઈ બહેન ને અડફેટે લીધા હતા . જો કે, પરિવારે નાનો દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. ત્યારબાદ પિતાની ફરિયાદ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસે ટેમ્પો નંબર આધારે ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી છે .