પલસાણા હાઇવે પર ટ્રકની પાછળ ટેમ્પો અથડાયો : ચાલકનું મોત

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આગળ ચાલતી ટ્રક સાથે ટેમ્પો ધડાકાભેર અથડાતાં ટેમ્પો ચાલકનું મોત નીપજયું હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના ફુલેચાંદ ગામે રહેતો ભાનુદાસ એકનાથ થોરાટ(ઉ.વર્ષ 29) ડ્રાઇવિંગનું કામા કરતો હતો. રવિવારે રાત્રે  તે મહારાષ્ટ્રના  નાસિકથી ટેમ્પોમાં ફૂલ ભરીને ક્લીનર સાગર તાતીયારામ ગજઘાટે સાથે સુરત આવવા નીકળ્યો હતો. આજે સોમવારે સવારે ટેમ્પો લઈને પલસાણા પહોંચ્યા બાદ બ્રિજ પાસે  ટેમ્પો પૂરઝડપે હંકારી લાવી  અચાનક આગળ ચાલતા ટ્રક સાથે ધડાકાભેર અથડાવી દીધો હતો. અકસ્માતમાં ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણ દબાઈ ગયો હતો. ટેમ્પોમાં સવાર ક્લીનર સાગર તાતીયારામ ગજઘાટે તરત બહાર નીકળી આવ્યો હતો. જ્યારે ચાલક ભાનુદાસ દબાઈ જતાં તેને ગંભીર ઇજા થઈ હતી. સ્થાનિકોએ ચાલકને બહાર કાઢી ઇજાગ્રસ્ત હાલતમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ક્લીનર સાગરને સાધારણ ઇજા થઈ હતી. સમગ્ર ઘટના અંગે પલસાણા પોલીસે ક્લીનર સાગરની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.