ભૂંડ, નીલગાય અને હવે દીપડાઓનો આતંકને કારણે ગીરનાં ખેડૂતો જોખમ ઉઠાવીને આખી રાત કરે છે ઉજાગરા

ગીરના ખેડૂતો માથે એક નવી મુશ્કેલી આવી ગય છે. જંગલી ભૂંડ, નીલગાય અને હવે દીપડાઓ પણ તબાહી મચાવી રહ્યા છે. વન્ય પ્રાણીઓ ખેડૂતોનાં પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે ખેડૂતોને પોતાના જીવના જોખમમાં મૂકીને પોતાના પાકનું રાતે રક્ષણ કરવું પડે છે. ગીરનાં ગામોમાં ગીર જંગલ માંથી ખેડૂતો માટે નવી આફત આવી છે. ગીરનું જંગલ એટલે કોઈપણ માણસ વન વિભાગની મંજૂરી વગર પ્રવેશ ન કરી શકે અને પ્રવેશ કરે તો પણ વન્ય પ્રાણીઓને મુશ્કેલી પહોંચે તેવું કૃત્ય કરે તો કાયદાકીય રીતે ગુનો લાગુ પડે છે.

પરંતુ એ જ વન્ય પ્રાણીઓ માનવ વસ્તીમાં આવી માનવ જીવ અને ખેડૂતોનાં પાકને નુકશાન કરે તો? બસ આવું જ બની રહ્યું છે ગીરના ખેડૂતોની સાથે. ગીર સોમનાથ જિલ્લાનાં નાનાવાડા, કાજ, જંત્રાખડી, માલગામ અને બાવાનાં પીપળવા સહિતનાં વિવિધ ગામોમાં નીલગાય અને જંગલી ભૂંડનાં ત્રાસને કારણે ખેડૂતો પોતાના પાકનું રાત્રે ધ્યાન ન રાખે તો મહિનાઓથી મહેનત કરી તૈયાર કરેલો પાક વન્ય પ્રાણીઓ તહેસનહેસ કરી નાખે છે.

ગુજરાત સરકાર દ્વારા વન્ય પ્રાણીઓની ખેડૂતોને દહેશતને કારણે રાત્રીના બદલે દિવસે વીજળી આપવાનું કર્યું છે. ખેડૂતો ખુશ પણ થયા પરંતુ તેમના ઉજાગરા ઓછાં ન થયા. જો ખેડૂતો રાત્રી ઉજાગરા ન કરે તો રોઝ, જંગલી ભૂંડ અને નીલગાય જેવા પ્રાણીઓ માત્ર એકજ રાત્રીમાં અનેક વિઘા ખેતરમાં ઉભેલો તેનો પાક તહસ નહસ કરી નાખે છે. તો રાત્રીના સમયમાં દીપડાનો દર પણ એટલો જ રહે છે.

ગીર સોમનાથનાં ગીર બોર્ડર અને દરિયાઈ પટ્ટીનાં ગામોની ખેતીની જમીનમાં ઉભા પાકનો સોથ વાળતા વન્ય પ્રાણી નીલગાય, રોઝ અને ભૂંડને કારણે ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે. તેથી આ વિસ્તારના ખેડૂતોએ ના છૂટકે ભયના ઓથાર વચ્ચે રાત્રીના સમયે પોતાના ખેતરનું ધ્યાન રાખવું પડે છે. ગીરનાં ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પશુઓનો આતંક દિન દરરોજ વધી રહ્યો છે. ભૂંડ અને નીલગાય ખેડૂતોનાં પાકોને નુકસાન કરી રહ્યા છે.

કોડીનારનાં નાનાવાડા ગામનાં ખેડૂતો જંગલી પશુઓથી ત્રાસીને જન પ્રતિનિધિ અને વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી પશુઓથી પાકને બચાવવા માંગ કરી ચુક્યા છે. ગીર સોમનાથનાં ગામડાના વિસ્તારોનાં ખેડુતોને જંગલી પશુઓ બરબાદ કરી રહ્યા છે. સાથે દીપડાના ભયને કારણે સતત ચિંતાજનક પણ બન્યા છે. ઘણી વખત સિંહો પણ આ વિસ્તારમાં રાત્રી દરમ્યાન આવી ચડે છે. સિંહોને અહીંના ખેડૂતો પોતાનો મિત્ર ગણે છે.