હીરા ઉદ્યોગમાં મંદીને કારણે પિસાઇ રહ્યો છે મધ્યમ વર્ગ, પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી

ભાવનગર (Bhavnagar):ભાવનગર જિલ્લામાં પાલિતાણા,ગારિયાધાર,સિહોર સહિતના પંથકમાં હીરા ઉદ્યોગમાં મંદીને કારણે સતાવી રહ્યો છે મધ્યમ વર્ગના લોકોને રોજગારીનો પ્રશ્ન…થોડા વર્ષો પહેલા  હીરા ઉદ્યોગમાં  જે તેજી હતી તા અત્યારે ગાયબ થઇ ગઈ છે .ભાવનગર જિલ્લામાં ખેતી, પશુપાલન અને હીરા ઉદ્યોગ મુખ્ય વ્યવસાય છે જયારે અનિયમિત વરસાદથી ખેતીવાડીમાં મુશ્કેલી આવે ત્યારે લોકો હિરાના વ્યવસાયમાં વધુ જોડાય છે.

પાલીતાણા:

પાલીતાણા તાલુકામાં રોજગારી માટેનો સૌથી મોટો ઉદ્યોગ હોય તો તે છે હીરા ઉદ્યોગ. તાલુકાભરમાથી અંદાજે 25,000 જેટલા રત્ન કલાકારો હીરા ઉદ્યોગ થકી પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહેલ છે ત્યારે સરકાર દ્વારા આ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા પગલાં ભરવાની દિશામાં આગળ વધવું જોઈએ.તાલુકામાં ખેતી ભાંગતી જાય છે.હાલમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હોય લોકો ખેતી તરફ વળ્યા છે તો કેટલાક કારીગરો અન્યત્ર શહેર તરફ સ્થળાંતર કરી રહયાં છે.

ગારીયાધાર 

હાલમાં ગારીયાધાર શહેર તેમજ તાલુકામાં અંદાજે 600 જેટલા હિરાનાં નાના મોટા કારખાનાં છે તેમાં અંદાજે 13000 જેટલા લોકો કામ કરી રોજગારી મેળવે છે.આમાં 20% જેટલી મહિલાઓ પણ કામ કરે છે.10 વર્ષ પહેલાં હિરાનાં કારખાનાં 1000 જેટલાં અંદાજે હતા. ​​​​​​​ગારીયાધાર શહેર એક સમયે હિરા ઉદ્યોગનાં લીધે મિનિ સુરત તરીકે ઓળખાતુ હતુ ત્યાર બાદ દિવસે દિવસે હિરા ઉદ્યોગ ઓછો થતો ગયો.

એક રત્નકલાકારે કહ્યું  હતું કે મંદીને  કારણે અત્યારે અમે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. ક્યારેક બપોરે હીરા ખૂટી જાય છે. ક્યારેક તો થોડા દિવસો સુધી રજા રાખવામાં આવે છે. ગ્રામ્ય લેવલે રોજગારીનો બીજો કોઇ વિકલ્પ નથી. આથી પરિવારનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડે છે.